- ઉચ્ચ અધિકારીના ઘરેથી 47 લાખની રોકડ જપ્ત કરાઈ
- અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી વિભાગોમાં ખળભળાટ
નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારને નાથવા માટે સમગ્ર દેશમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન આસામમાં આબકારી વિભાગના અધિક્ષક રૂ. 24500ની લાંચ લેતા ઝડપાયાં હતા. તેમજ તપાસનીશ એજન્સીએ તેમના ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં લાખોની રોકડ રકમ મળી આવતા તપાસનીશ એજન્સીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. વિજિલન્સ અને એન્ટી કરપ્શન ટીમની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આબકારી વિભાગના ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયાં વિવિધ સરકારી વિભાગના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
આસામ સરકારના આબકારી વિભાગમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પાર્થ હજારિકાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આસામ વિજિલન્સ અને એન્ટી કરપ્શન ટીમે દિસપુરમાં જનતા ભવનના મુખ્ય દ્વાર પર 24500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. બુધવારે રાત્રે, વિજિલન્સ અને ભ્રષ્ટાચાર વિરોધી ટીમે ગુવાહાટીમાં પાર્થ હજારિકાના ઘર પર દરોડા પાડ્યા અને 47.30 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આસામ પોલીસના સીપીઆરઓ પ્રણવ જ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું કે લાંચની રકમ પાર્થ હજારિકા પાસેથી મળી આવી છે.