Site icon Revoi.in

આસામની ભાજપ સરકારે સુરતની સાડીઓ પર પ્રતિબંધ મુકતા ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ કરી રજુઆત

Social Share

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ અને ટેક્સટાઈલ મિલો આવેલી છે. અને દેશભરના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત શહેરની મુલાકાતે આવતા હોય છે. સુરતની પોલિસ્ટર સાડીઓની આસામમાં ખૂબ માગ છે. વેપારીઓ સુરતમાં ખરીદી કરવા માટે આવતા હતા. પરંતુ આસામની ભાજપ સરકારે ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સુરતની સાડીઓ પર પ્રતિબંધ મુકી દેતા વિરોધ ઊભો થયો છે. સુરતની પોલિએસ્ટરમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ટેક્સટાઈલના ઉદ્યોગકારોએ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી.

સૂત્રોના જમાવ્યા મુજબ સુરતનો  ટેક્સટાઈલ ઉદ્યોગ દિવાળીથી મંદીમાં ઘેરાઈ ચૂક્યો છે, લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી. આસામી સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ દ્વારા પોલિએસ્ટરમાંથી બનાવવામાં આવે છે. આ સાડીને આસામ સરકારે બેન કરી દીધી છે. આ સાડી આસામની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન કરશે તેવું કારણ આપીને પ્રતિબંધિત કરાઈ હતી. જેથી સુરતના ઉદ્યોગકારોને આર્થિત ફટકો પડવાની સંભાવના છે. જેને લઈને ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા ભાજપ  પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને એવી રજૂઆત કરવામાં આવી હતી. કે,  ‘હાલ 100 કરોડથી વધુનો  મેખલા સાડીનો સ્ટોક પડ્યો છે. સાડી પરનો આસામમાં પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો  100 કરોડનું વેપારીઓને નુકસાન જશે.  અને આગામી દિવસોમાં વેપારીઓનો વાર્ષિક 1200 કરોડથી વધુના વેપાર પર અસર થશે.

ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો. (ફોગવા) દ્વારા પણ કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં જઈને રજૂઆત કરવામાં આવશે. આ અંગે ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો.ના સૂત્રોએ ઉમેર્યું  હતું કે, આસામમાં સુરતની સાડી બેન કરવામાં આવે તે યોગ્ય વાત નથી, બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા છે, જો આવું થાય તો બંને રાજ્યોના લોકો વચ્ચે વિરોધાભાસ ઉભો થશે, જેને લઈને કેન્દ્રિય રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં મળીને રજૂઆત કરવામાં આવશે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્ત્તા પાર્થિવ કઠવાડિયાએ કહ્યું હતું. કે, ભારતનું એક રાજ્ય બીજા રાજ્ય પર પ્રતિબંધ મૂકે તેવી કદાચ પ્રથમ ઘટના છે. આ પ્રતિબંધને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ. 3 હજાર કરોડથી વધુનું નુકશાન થશે. આસામ અને ગુજરાત એમ બંન્ને રાજયમાં ભાજપની સરકાર હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે.