ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક-2023 ને મંજુરી મળતા હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આબીસી માટે 27 ટકા અનામત લાગુ થશે. ગુજરાતમાં 50 ટકાથી વધુ વસતિ OBC સમાજની આવે છે. ઓબીસી માટે 27 ટકા અનામતનું બિલ પાસ થતાં હવે 8 મ્યુનિ.કોર્પોરેશનની 181 બેઠક OBC માટે અનામત થશે, જ્યારે 33 જિલ્લા પંચાયતની અંદાજે ઓબીસી માટે 105 બેઠક હતી, જે હવે વધીને 206 થશે. તેમજ તાલુકા પંચાયતમાં 906 બેઠકો ઓબીસી માટે અનામત થશે. ઉપરાંત ગ્રામપંચાયતમાં 22,617 બેઠક ઓબીસી માટે અનામત થશે અને 156 નગરપાલિકામાં 1270 બેઠક OBC સમાજ માટે અનામત થશે.
ગુજરાત વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 20-12-1972ના રોજ બક્ષી કમિશન બનાવાયું હતું અને 82 જાતિને અનામત આપવાની ભલામણ કરી હતી. એ સમયે માધવસિંહ સોલંકીની સરકારે અમલવારી કરવાનું ટાળ્યું હતું. બાદમાં જનતા દળની સરકારે 1-4-1978ના ઠરાવથી અનામત આપી હતી. 7-6-1980થી 30-3-1985 સુધી માધવસિંહની સરકારમાં કોઇ પગલાં ન લેવાયાં. 1993માં આ જ વિધાનસભામાં વિધેયક લાવવામાં આવ્યું ત્યારે અમારા પક્ષે જ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. કોંગ્રેસનો OBC માટે નકારાત્મક ઈતિહાસ છે, જ્યારે ભાજપનો સકારાત્મક ઇતિહાસ રહ્યો છે. 2006થી ભારતની શૈક્ષણિક સંસ્થામાં OBCની શરૂઆત થઇ છે. 10-4-2008માં સુપ્રીમકોર્ટે 20 ટકા અનામતના નિર્ણયને યોગ્ય ગણ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે 2014માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 50 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી OBC સમાજમાંથી આવે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર સત્તામાં છે તો કેમ ખ્યાલ ન આવ્યો કે 10 ટકા અનામત છે? એ સમયે કેમ અનામત વધારી નહીં? વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો પછી અનામત મામલે સરકાર નિર્ણય કરે છે. 90 દિવસમાં આયોગ અભ્યાસ કરીને રિપોર્ટ આપશે અને રિપોર્ટનો તાત્કાલિક અમલ કરાશે એમ હતું પણ 90 દિવસે રિપોર્ટ ન આવ્યો એટલે આપણે મુદ્દત વધારતા રહ્યા. એક બંગલાની અંદર ઓફિસ હતી. જ્યાં કોઈ વ્યવસ્થા નહતી અને ગુજરાતની 52 ટકા OBC સમાજની વસતિને સંભાળવાની કામગીરી ચાલતી હતી. ઝોન પ્રમાણે સમર્પિત આયોગે લોકોને બોલાવીને સાંભળ્યા. અમદાવાદની 19 ટકા વસતિ બતાવી પરતું આયોગે આ વાત સ્વીકારી અને જન્મ દાખલો, ઇલેક્શન કાર્ડ સહિત તમામ પાસાની ચકાસણી કરી. કોંગ્રેસને આશા હતી કે સમયસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે. પણ રિપોર્ટ ન આવતા ચૂંટણીઓ ન થઈ અને અધિકારીઓ નીમવામાં આવ્યા. નિયમ પ્રમાણે 6 માસથી વધુ વહીવટદાર રહી શકે તેમ નથી. કોંગ્રેસે વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાંય રિપોર્ટ આવ્યો નહીં. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ જણાવ્યું કે થોડાક દિવસોમાં આવશે. પરંતુ અમે ઝવેરી કમિશન સમક્ષ ગયા ત્યારે જાણવા મળ્યું કે રિપોર્ટ તૈયાર છે પરંતુ સરકારે રિપોર્ટ માગ્યો નથી. માંગશે ત્યારે રિપોર્ટ સરકારને આપવામાં આવશે. કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કર્યા બાદ સરકાર પાસે તાત્કાલિક રિપોર્ટ માગ્યો. સરકાર પાસે 13 એપ્રિલે રિપોર્ટ આવ્યા બાદ હજુ ઓગસ્ટ માસ પૂર્ણ થયો તો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ નહીં. સરકારે રિપોર્ટનો અભ્યાસ કરવા માટે કોઈ બેઠક કે કોઈ કમિટીની રચના કરી નથી.
કોંગ્રેસે દ્વારા વિધાનસભામાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, ઝવેરી કમિશન દ્વારા જે રિપોર્ટમાં આંકડા આવ્યા છે એ મુજબ રાજ્યની 8 મનપામાં OBCની એવરેજ વસતિ 40 ટકા છે. નગરપાલિકામાં OBCની વસતિ 53 ટકા જ્યારે પેશા એક્ટ સિવાયના જિલ્લામાં 54 ટકા વસતિ છે. આ એવરેજ વસતિના આંકડા છે. સુપ્રીમકોર્ટની ગાઈડ લાઇન પ્રમાણે વસતિ પ્રમાણે અનામત મળવી જોઈએ. કમલમ ખાતે ફટાકડા ફોડનારાને ખબર નથી કે તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ વિષય કોઈ રાજનીતિ માટે નથી. પાર્ટી બહુમતીના જોરે બિલ પાસ કરશે, પરંતુ કોર્ટમાં તો રિપોર્ટ જમા કરવો પડશે. અને ચુકાદા બાદ સરકારે રિપોર્ટના પ્રમાણે ફરી બિલ ગૃહમાં લાવવું પડશે. OBC સમાજને બજેટમાં પણ અન્યાય થાય છે.