Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણીઃ પ્રજ્ઞાચક્ષુઓ મતદાન કરી શકે તે માટે બ્રેઈન લિપીમાં બેલેટ પેપર તૈયાર કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે, બીજી તરફ વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે મતદાનને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નેત્રહિન મતદાતાઓ પણ પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો વોટ આપી શકે તે માટે બ્રેઈલ લિપિમાં બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને આ વર્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ કરાયેલ મતદાન સ્લીપ આપવામાં આવશે. અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં તા. 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં કુલ 192 બેઠકો ઉપર મતદાન યોજાશે. વધારેમાં વધારે મતદાન થાય અને મતદારો મતદાન કેન્દ્ર સુધી મતદાન કરવા પહોંચે તે માટે ચૂંટણીપંચ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દિવ્યાંગ મતદારોને મતદાન લાઈનમાંથી છૂટ આપવી, દરેક મતદાન બુથ પર વ્હીલચેર ઉપલબ્ધ કરાવવી વગેરે ઉપરાંત આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને ખાસ છૂટ આપી પોતાના ઘરે મતદાન કરી શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો તેની સાથે જ રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને આ વર્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ કરાયેલ મતદાન સ્લીપ આપવામાં આવશે. બ્રેઈલ પ્રિન્ટ સ્લીપ કચ્છની નવચેતન સંસ્થા દ્વારા પ્રિન્ટ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. વિધાનસભાની ચૂંટણીમાં 86 હજાર જેટલા પ્રત્રાચક્ષુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બેટેલ પેપરની સામાન્ય સ્લીપ કરતા આ સ્લીપ મોટી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ 8મી ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(Photo-File)