વિધાનસભા ચૂંટણીઃ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ભાજપાએ આઠ નેતાને સસ્પેન્ડ કર્યા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ભાજપાએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા આઠ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જેમાં 6 પંચમહાલ અને બે બનાસકાંઠાના નેતાઓનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ અનેક સિટીંગ ધારાસભ્યો અને સિનિયર નેતાઓને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. જેથી સિનિયર નેતાઓમાં રોષ ફેલાયો હતો. તેમજ અનેક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપાએ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 14 જેટલા નેતાઓને સસ્પેન્ડ કર્યાં હતા.
દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પંચમહાલના 6 અને બનાસકાંઠાના બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પંચમહાલના પ્રવીણસિંહ શનાભાઈ પરમાર, જશવંતસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, ભરતભાઈ કેશરભાઈ બારિયા, માધુસિંહ ભારતસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ હમીરસિંહ બારિયા, ગોવિંદભાઈ નટુભાઈ બારિયા, બનાસકાંઠાના નેતા ધૂંખ ભરતજી ગેમરજી, દેસાઈ જીગરભાઈ ભગવાનભાઈનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ભાજપ નેતાઓના સસ્પેંડ કરવાના કારણ તરીકે પક્ષ વિરોધી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જયારે બનાસકાંઠાના બંને નેતાઓ અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં હોવાથી તેમને સસ્પેંડ કરવામાં આવ્યા છે.