લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યા પછી, કોરોના વાયરસના સંક્રમણની મુશ્કેલીએ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની મોટાભાગની લડાઈ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લઈ લીધી છે અને તમામ પક્ષોએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર વિરોધીને હરાવવાનો પ્રયાસ કર્યો છે. સોશિયસ મીડિયાના મારફતે તમામ રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર જોરદાર રીતે સક્રિય છે અને સમાજવાદી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની હાજરી વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. ઉત્તર પ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી મનીષ દીક્ષિતે કહ્યું હતું કે, તેમની પાર્ટી સોશિયલ મીડિયાના ઉપયોગમાં અન્ય પક્ષો કરતા માઇલો આગળ છે, તેમ છતાં પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી માટે વર્ચ્યુઅલ માધ્યમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.
તેમણે વધુમાં હતું કહ્યું કે, પાર્ટીએ વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા મતદારોને પાર્ટીના કાર્યક્રમો સાથે જોડવા માટે બૂથ લેવલ સુધીના પદાધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપી છે. તમામ વિધાનસભા ક્ષેત્રોમાં બૂથ સ્તર સુધીના પદાધિકારીઓ અને વિધાનસભાના પ્રભારીઓને પક્ષની વિવિધ રેલીઓમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીએ પણ ચૂંટણીના આ વર્ચ્યુઅલ યુદ્ધમાં વિરોધીઓને માત આપવા માટે કમર કસી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ વર્માએ કહ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણો સુધી પહોંચવું હજુ પણ મુશ્કેલ કામ છે, પરંતુ પાર્ટી બદલાયેલા માહોલમાં રસ્તો શોધી રહી છે.
તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 40 ટકા ફોન યુઝર્સ પાસે સ્માર્ટફોન નથી, પરંતુ SP યુવા મતદારો તરફ સૌથી વધુ ઝોક ધરાવે છે અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના યુવાનો પાસે પણ સ્માર્ટફોન છે. પાર્ટી દરેક વિધાનસભા મતવિસ્તારમાં હજારો વોટ્સએપ ગ્રુપ બનાવીને યુવાનોને પોતાની સાથે જોડી રહી છે. જે મતદારો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી તેમને પ્રી-રેકોર્ડેડ મેસેજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં વર્ચ્યુઅલ માધ્યમથી પ્રચાર કરવાના ચૂંટણી પંચના આદેશને પોતાના માટે ‘વરદાન’ ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે તે અનુભવના બળ પર વર્ચ્યુઅલ ક્ષેત્રમાં તેના હરીફો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. પાર્ટીના રાજ્ય પ્રવક્તા વૈભવ મહેશ્વરીએ કહ્યું કે, તેમની પાર્ટી હંમેશા લોકો સુધી વ્યક્તિગત રીતે પહોંચવામાં માને છે અને કમિશનનો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રચાર કરવાનો આદેશ પાર્ટી માટે વરદાનથી ઓછો નથી.
તેમણે કહ્યું, “આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમની સામગ્રી અને તેના પર સામાન્ય લોકોની ભાગીદારી અન્ય પાર્ટીઓ કરતા વધુ છે. વાસ્તવિક સહભાગિતા એ છે જ્યારે પક્ષના સંદેશને લોકો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આગળ શેર કરે છે. સામગ્રીની સૌથી મોટી તાકાત એ અમારો એજન્ડા છે જે જનતાને આકર્ષે છે. જેમાં વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણનો સમાવેશ થાય છે. યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર છેલ્લા બે દિવસ દરમિયાન પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ઉત્તર પ્રદેશના પ્રભારી સંજય સિંહની વર્ચ્યુઅલ રેલીમાં અનુક્રમે 1.56 લાખથી વધુ લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ હંમેશા સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપીને ચૂંટણી યુદ્ધ લડ્યું છે.
કોંગ્રેસના રાજ્ય મીડિયા કન્વીનર લાલન કુમારે વર્ચ્યુઅલ ચૂંટણી પ્રચાર માટે પાર્ટીની તૈયારીઓ વિશે જણાવ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યના સળગતા મુદ્દાઓને સોશિયલ મીડિયા દ્વારા જનતાની વચ્ચે રાખવાની તૈયારીમાં વ્યસ્ત છે. કોંગ્રેસે પહેલાથી જ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની હાજરી મજબૂત કરી છે પરંતુ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રચાર માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિધાનસભા સ્તરથી લઈને બૂથ સ્તર સુધી સોશિયલ મીડિયા ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. લક્ષ્ય મતદારો સુધી તેમની રુચિ અને તેમના પોતાના મુદ્દાઓને લગતા કોંગ્રેસના દૃષ્ટિકોણને અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ છે.