Site icon Revoi.in

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે અત્યાર સુધી રૂ. 1000 કરોડથી વધુની મતા જપ્ત કરી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા નાણાની હેરાફેરી સહિતની પ્રવૃતિને અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની જપ્તી કરી છે. ચૂંટણી પંચે મોનિટરિંગ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં મની પાવરના જોખમને રોકવા માટેના કમિશનના પ્રયાસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પંજાબમાં સૌથી વધુ રૂ. 510.91 કરોડની જપ્તી કરવામાં આવી છે, ઉત્તર પ્રદેશમાંથી રૂ,. 307.92 કરોડ અને મણિપુરમાંથી રૂ. 167.83 કરોડ જપ્ત કરવામાં આવ્યાં છે. આવી જ રીતે ઉત્તરાખંડમાંથી 18.81 રૂપિયા અને ગોવામાં 12.73 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ રૂ. 1018.20ની જપ્તીમાં રૂ. 140.29 કરોડની રોકડ, રૂ. 99.84 કરોડ (82,07,221 લીટરની કિંમતનો દારૂ), રૂ. 569.52 કરોડની દવાઓ, રૂ. 115.05 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ. 93.5 કરોડની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. પંજાબમાંથી જ 376.19 કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યાં છે. ચૂંટણી પંચે સીબીડીટી, સીબીઆઈસી, એનસીબી, આબકારી અને સીમાવર્તી રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચૂંટણીવાળા રાજ્યોમાં ‘પ્રલોભન-મુક્ત’ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રોડમેપ માટે ઘણી બેઠકો યોજી હતી.

કમિશને રાજ્યોમાં યોજાયેલી બેઠકો દરમિયાન વિવિધ એજન્સીઓ અને પોલીસ નોડલ અધિકારીઓની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી, જેમાં મતદારોને પ્રભાવિત કરવા માટે રચાયેલ વસ્તુઓની નજીકથી અને અસરકારક દેખરેખ પર ભાર મૂકવામાં આવ્યો હતો. EDએ કહ્યું કે આ રાજ્યોમાં 63 વિધાનસભા મતવિસ્તારોને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંવેદનશીલ મતવિસ્તાર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે.