Site icon Revoi.in

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરાશે

Social Share

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હાલ મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં ચૂંટણીપંચ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવશે.

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે તમામ રાજકીય પક્ષો સમયસર ચૂંટણી માટે તૈયાર છે, જોકે કેટલાક પક્ષો રેલીના વિરોધમાં છે. ચૂંટણી પંચે કહ્યું કે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. અમે Omicron ની પણ સમીક્ષા કરી છે.ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાને જોતા 1500 લોકો દીઠ એક બૂથ ઘટાડીને 1250 લોકો માટે એક બૂથ કરવામાં આવ્યો છે. આનાથી 11,000 બૂથ વધ્યાં છે. મતદાર યાદી 5 જાન્યુઆરીએ આવશે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ સુધી પણ, મતદારો યાદીમાં તેમના નામો અંગે દાવા અને વાંધાઓ ઉઠાવી શકે છે.

ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, ઓછામાં ઓછા એક લાખ બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે જેથી લોકો જોઈ શકે કે મતદાન સંપૂર્ણ પારદર્શિતા સાથે થશે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોએ મીડિયામાં પ્રસારિત કરવાનું રહેશે કે તેમની સામે કઈ કલમો છે, કયા કેસ ચાલી રહ્યા છે. રાજકીય પક્ષોએ પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કેમ પસંદ કર્યા છે તેની માહિતી આપવી પડશે.