Site icon Revoi.in

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં તેના નિર્ધારિત સમયે જ યોજાશેઃ જે પી. નડ્ડા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. જોકે ભાજપ દ્વારા ચૂંટણીની જે ઝડપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તે જોતા વહેલા ચૂંટણી યોજાશે એવી અટકળો ચાલી રહી છે. રાજકિય નેતાઓ પણ વહેલી ચૂંટણી યોજાશે એવું માની રહ્યા હતા. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમયે નવેમ્બર કે ડિસેમ્બરમાં જ યોજાશે. વહેવી ચૂંટણી યોજવાનું કોઈ પ્રાયોજન નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ગુજરાત ભાજપના સાંસદો, ધારાસભ્યો, આગેવાનોની બેઠકમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં જ યોજવાનું ભારપૂર્વક નિવેદન કર્યું હતું. આમ જોઈએ તો ભાજપની સસ્પેન્સ ઉભું કરીને જે ના પડે એ જ કરવાની સ્ટ્રેટેજી રહી હોવાથી આજના નડ્ડાના નિવેદનને ભાજપ નેતાઓ સાનમાં સમજી ગયા હોવાનું મનાય રહ્યું હતું. ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનની ફાસ્ટટ્રેક પર ચાલતી કામગીરીના કારણે વહેલી ચૂંટણીની અટકળો તેજ બની હોવાનો સંકેત ભાજપ અધ્યક્ષ સુધી પહોંચી જતા આજે ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કમલમ ખાતે યોજેલી બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવેમ્બર ડિસેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં આપણે ઇતિહાસ રચીશું. તેમનું આ નિવેદન વહેલી ચૂંટણીઓ અંગે ચાલતી અટકળો શાંત કરવા માટે હોવાનું પક્ષના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ જણાવી રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત મુલાકાત દરમિયાન તબક્કાવાર બેઠકોનો ધમધમાટ કમલમ ખાતે ચાલી રહ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિત 300થી વધુ આગેવાનો સાથે કરેલી મહત્વની બેઠકમાં ચૂંટણી રણનીતિ બાબતે પણ મહત્વના નિવેદનો કર્યા હતા. આ બેઠકમાં જે.પી. નડ્ડાએ કમલમ ખાતે હોદ્દેદારોને સંકેત આપ્યો હતો કે, ગુજરાતમાં નવેમ્બર ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં આપણે ઇતિહાસ રચીશું. એટલું જ નહીં ભાજપની રાજનીતિ માટે ગુજરાત એક પ્રયોગશાળા હોવાનો દાવો પણ કર્યો હતો. તો બીજી તરફ તેમણે ગુજરાત ભાજપ સંગઠન અને સરકાર બંને આજે અવ્વલ નંબરે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ગુજરાતમાં ચૂંટણીની ચિંતા નથી. કારણ કે અહીં પરિપકવ નેતૃત્વ છે. આ ઉપરાંત સરકાર અને સંગઠનના કામોને જનતા જલ્દી ભૂલી જતી હોવાથી સારા મુદ્દાઓને જનતા વચ્ચે સતત લઈ જવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષે આ બેઠકમાં નેતાઓને શીખામણ આપી હતી. આ બેઠકમાં વિપક્ષ સામેની રણનીતિ મુદ્દે જનતા સમક્ષ ખોટી ભ્રમણાઓ ફેલાવતા વિપક્ષના નેતાઓને ખુલ્લા પાડવા માટે પણ હાકલ કરી હતી. ગુજરાત ભાજપમાં થયેલી પેજ કમિટીની કામગીરીના પણ રાષ્ટ્રીય અધ્યક્ષે વખાણ કર્યા હતા. તમામ આગેવાનોને અપીલ કરી હતી કે ગુજરાત ભાજપ દ્વારા સફળ નિવડેલી પેજ કમિટીના કાર્યને ચૂંટણી સમયે પૂર્ણ કરી દેવું જોઈએ.