વિધાનસભા ચૂંટણીઃ UP સહિત 5 રાજ્યમાં રસીના પ્રમાણપત્ર ઉપરથી PM મોદીનો ફોટો હટાવાશે
- પાંચ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ
- 10મી માર્ચના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે
- કોરોના રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવાયું
દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, પંજાબ સિહત પાંચ રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીની વચ્ચે યોજાનારી આ ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ ઉપરાંત પાંચેય રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આ પાંચ રાજ્યોમાં કોરોનાની રસીકરણ અભિયાનમાં સર્ટીફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાને હટાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રસીના પ્રમાણપત્રમાંથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા માટે CoWIN પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર લગાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જેથી આ પાંચ રાજ્યોમાં પણ કોરોના રસીના પ્રમાણપત્ર ઉપરથી વડાપ્રધાનની તસ્વીર હટાવવામાં આવશે.
(PHOTO-FILE)