મનની મક્કમતા અશોકના શરીરની દિવ્યાંગતા પર પડી ભારે, ગોલ્ડ મેડલ જીતી મેળવી સિદ્ધિ
અમદાવાદઃ “ડૉક્ટરની ભૂલના કારણે મને પોલિયો થયો હતો, નાનપણથી જ મેં નક્કી કર્યું હતું કે હું દિવ્યાંગોની જેમ ટ્રાયસાઇકલ નહીં ચલાવું હું મારા આજ નબળા પગથી બે પૈડાવાળી સાદી જ સાઇકલ ચલાવીશ. અને અનેક વાર સાયકલ પરથી પડવા છતાં હું આ વાત શીખીને જ રહ્યો…” આ શબ્દો છે નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022માં 56 કિલો વજનની કેટેગરીમાં પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર અશોક કુમાર પરમારના. ગુજરાતના અમરેલી પાસે આવેલા માંડવા ગામના વતની તેવા 35 વર્ષીય અશોકનું નાનપણથી એક જ ધ્યેય રહ્યું છે- શરીર અને મનને મજબૂત બનાવવું છે.
જો કે શરીરને મજબૂત કરવાની આ ધગશ, પાછળ અશોક કુમારનું કારણ ખૂબ જ ભાવુક કરનારું છે. નાનપણમાં પોલિયાના કારણે તેમને બીજા વિદ્યાર્થી ચિડાવતા અને જેમની સામે પોતાને સાબિત કરવા માટે તેમણે શરીરને મજબૂત કરવાનું નક્કી કર્યું. જો કે આજે તે આ તમામ લોકોનો આભાર માને છે કે જેમણે જાણે અજાણે તેમને મન અને શરીરને મક્કમ કરવા માટે રાહ ચીંધી.
ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા 17 થી 19 માર્ચ 2022ના રોજ નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવર લિફ્ટિંગમાં અશોક કુમાર પરમારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે મેડલ જીતવો અશોક કુમાર માટે કોઇ નવી વાત નથી, આ પહેલા પણ તે અનેક રમતોમાં ભાગ લઇ ચૂક્યા છે અને આ તેમનો પાંચમો મેડલ છે. જો કે પાવર લિફ્ટિંગમાં શારિરીક મજબૂતી વધારવા માટે ખાસ ડાયટ, નિયમિત કસરત અને સમયમાંગી લે તેવી મહેનતની જરૂર છે. પણ શાકાહારી અને સામાન્ય પરિવારથી આવતા અશોક કુમાર પાસે આ તમામ સુવિધાઓને પામવી સરળ વાત નહતી. પોતાની આ મુશ્કેલીઓ જણાવતા અશોક કુમારે કહ્યું કે “35 વર્ષની ઉંમરે મારા શોખ સાથે મારી પર મારા માતા-પિતા, પત્ની અને 2 વર્ષના બાળકની જવાબદારી છે. હું મોંઘા જીમમાં પૈસા બગાડવા નહતો માંગતો માટે હું સરકારી જીમમાં જ ટ્રેનિંગ કરું છું. મારી પાસે કોઇ કોચ પણ નથી. ના હું મોંઘા પ્રોટિન શેક અફોર્ડ કરી શકું છું. માટે બીજા લોકો જે ટ્રેનિંગ લે છે તેમનાથી થોડી સલાહ સૂચન મેળવીને હું જાતે જ આ બધું કરું છું.”
જ્યારે અશોકને પૂછવામાં આવ્યું કે શું તમારા કોઇ પરિવારજનો તમને આ રમતમાં માટે સપોર્ટ કરે છે? તો હસીને તેમણે કહ્યું કે “મારા પિતા પોતે એક જમાનામાં સ્પોર્ટ્સપર્સન રહી ચૂક્યા છે. તે લોંગજમ્પમાં હતા. પણ તેમના માટે આ રમત, પાવર લિફ્ટિંગ ખાલી પૈસા ગુમાવાની વાતો છે! અને તે તેમની રીતે, સાચા પણ છે. આ રમતોમાં ભાગ લેવા માટે અમને સરકારી રીતે કોઇ ખાસ મદદ નથી મળતી. પણ આ બધું હું કોઇ ઇનામ કે ખ્યાતિ માટે નહીં, મારા માટે કરું છું. જ્યારે હું સવારે બે કલાક જીમમાં જઉં છું તો તે બે કલાક હું મારી માટે જીવું છું. અને તે જ મારા માટે સૌથી મહત્વનું છે. આમ જોવા જઇએ તો હું જ મારો રોલ મોડલ અને હું જ મારો ચીયરલીડર છું” જો કે જેમ અશોક કુમાર, શરીરની મજબૂતીમાં માને છે તે જ રીતે મનની મજબૂતાઇ પર પણ ભાર મૂકે છે, પોતાના પોલિયોગ્રસ્ત પગ વિષે બોલતા અશોકભાઇએ કહ્યું કે “જ્યારે તમે પોતાના પ્રશ્નો અને સમસ્યાઓને સ્વીકારભાવથી અપનાવી લો છોને તો મુશ્કેલીઓ વિષમ નથી લાગતી, પછી તો બસ આગળ વધતા રહેવાનું હોય છે.” નોંધનીય છે કે અશોકભાઇ, આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હજી પણ આગળ આ રીતે જ વધુ મેડલ મેળવવા માંગે છે. સાથે જ હાલમાં જ તેમને અદાણી ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડમાં સ્પેશ્યલ કેટેગરી કોટામાં નોકરી મળી છે. જે થકી હવે તે તેમના આગળના ભવિષ્યને લઇને સુરક્ષિત અનુભવે છે.