અમદાવાદઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ 7 ઓક્ટોબર 2015થી અમલમાં લાવવામાં આવી છે.
મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના 32,839 વિદ્યાર્થીઓને રૂ.134.03 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2022-23માં 24,366 વિદ્યાર્થીઓને રૂ.98.92 કરોડ અને વર્ષ 2023-24માં 8,473 વિદ્યાર્થીઓને રૂ.35.11 કરોડની સહાય ચુકવવામાં આવી છે.