ગુજરાતમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 13.62 લાખ મહિલાઓને સહાય ચુકવાઈ
અમદાવાદઃ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં રાજ્યની 13.62 લાખ જેટલી નિરાધાર વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.1250ની સહાય લેખે કુલ રૂ. 1600 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષના બજેટમાં આ માટે રૂ.1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિધવાઓ પણ પુનર્લગ્ન કરીને ફરીથી નવું જીવન શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 હજારની સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ 2022-23 દરમિયાન કુલ 251 ગંગાસ્વરૂપા મહિલાઓને નવું જીવન શરૂ કરવા માટે સહાય કરવામાં આવી હતી. ગ્રામીણ તથા શહેરી વિસ્તારની 21થી 50 વર્ષની વયની જરૂરિયાતમંદ મહિલાઓને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ સ્વરોજગારી માટે વિવિધ 307 જેટલા અલગ અલગ વ્યવસાયો માટે વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીની લોન બૅંકો દ્વારા અપાવવામાં આવે છે. જેની સામે નિગમ દ્વારા પ્રોજેક્ટ કોસ્ટના 15 ટકા અથવા મહત્તમ રૂ. 30 હજાર બેમાંથી ઓછું હોય તે રકમ નિગમ દ્વારા સબસિડીરૂપે આપવામાં આવે છે.
આ પ્રકારે છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ 1812 મહિલાઓને કુલ રૂ.3.74 કરોડની સબસિડી સહાય ચૂકવવામાં આવી છે. આ જ પ્રકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, નેશનલ રુરલ લાઇવલીહુડ મિશન સહિતની કેન્દ્ર સરકારની યોજનાઓ પણ મહિલાઓને વધુ સશક્ત અને પગભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં મહિલાઓની તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
(PHOTO-FILE)