Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા 32 લાખની સહાય ચુકવાઈ

Social Share

ભાવનગરઃ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન,દીવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.જ્યારે ૩૦૫૧ વ્યક્તિઓને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની  સહાય ચુકવવામાં આવી છે. અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં તાઉ’તે ચક્રવાતની વ્યાપક અસર થઈ  હતી. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા,તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું હતું એમ કલેકટર  ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા રોડ,રસ્તા,પાણી પુરવઠાની જાળવણી અને વીજ પુરવઠો ઝડપભેર પુનઃ કાર્યરત કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.જેને પરિણામે જિલ્લામાં જનજીવનને ઝડપથી પૂર્વવત કરવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસનની લોકોને મદદરૂપ થવાની સંવેદશીલતાને કારણે સત્વરે માનવ – પશુ મૃત્યુ, ઇજા,ઘરવખરી,મકાન, કેશ ડોલ્સ સહાય માટે ૭૬૦ જેટલી સર્વે ટીમોની રચના કરી તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોના નુકશાની સર્વે માટે ૨૬૦ ટીમો, માછીમારો માટે ૧૧ અને ગ્રામ્ય કારીગરોને થયેલ નુકસાનીના સર્વે માટે ૧૧ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જિલ્લામાં વાવાઝોડા દરમિયાન મહત્તમ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે ૩૫૦ ઉપરાંત ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે.જ્યારે અન્ય ગામોમાં આ કામગીરી ચાલુ છે.જિલ્લાના તમામ ૪૪ પાણી પુરવઠા યોજનાના સબ હેડ વૉટર વર્કસ  શરૂ કરી દેવામાં આવ્યા છે.જ્યાં વીજ પુરવઠો શરૂ થયો નથી એવા ગામોમાં ટેન્કર અને ડી.જી.જનરેટર સેટ દ્વારા ગ્રામજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. એટલુ જ નહી તમામ ૨૦ ઓક્સિજન પ્લાન્ટમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે વાવાઝોડાથી જિલ્લાના ૫૯૯ રસ્તા,માર્ગો બંધ થયા હતા. જે તમામ માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૪૦૫૨ ઝૂંપડા,કાચા મકાનોને નુકશાન થયું છે.જ્યારે ૩૯ સરકારી મકાનોને નુકશાન થયું છે.જિલ્લામાં વાવાઝોડાના કારણે ૨૦૬૩૧ વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લાના મુખ્ય માર્ગો પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૮૩૨૧ વીજ થાંભલાઓને નુકશાન થયું છે. જિલ્લામાં નવ માનવ મૃત્યુ, આઠ માનવ ઇજા, ૩૩૫ પશુ મૃત્યુ તેમજ ૫૦૫૬૭ મરઘાં મૃત્યુ નોંધાયા છે.જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના અધિકારો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનના  સર્વે  માટે ૨૬૦ ટીમો કામગીરી  કરી રહી છે.