ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડાંમાં મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યુ હતું કે, વાવાઝોડાને લીધે કૃષિ ક્ષેત્રે જે નુકસાન થયું છે તેનો સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાયતા ચૂકવવામાં આવશે. મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે. વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સર્વેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે રાહત કામગીરી ઝડપથી શરૂ કરાશે. ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવાયુ કે, ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં થયેલા નુકશાન માટે પણ સહાય ચૂકવવામાં આવે. આ માટે મુખ્યપ્રધાનને પત્ર પાઠવી કરી સહાય માટે માંગણી કરવામાં આવી છે.