Site icon Revoi.in

ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પગારની વિસંગતતાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રર્શ્નોના ઉકેલ માટે સરકાર સામે જ મોરચો માંડ્યો છે. ત્યારે હવે ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પણ ફિક્સ પગારમાં વધારા કરવાની માગણીના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ કૂલપતિને આવેદનપત્ર આપીને ફિક્સ પગારમાં વધારો કરવાની માગ કરી હતી.

ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં નોકરી કરતાં સહાયક અધ્યાપકોના કહેવા મુજબ પાંચ મહિના અગાઉ સરકાર દ્વારા સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોના ફિક્સ પગારમાં વધારો કર્યો હતો પરંતુ કૉલેજોના સહાયક અધ્યાપકોના ફિક્સ પગારમાં વધારો ન કરીને અન્યાય કરવામાં આવ્યો છે.  શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીનો પગાર પણ કૉલેજના સહાયક અધ્યાપકો કરતા વધું છે. પગારની આ વિસંગત્તાના કારણે અધ્યાપકોમાં અસંતોષ છે. જેના પગલે ગ્રાન્ટેડ કૉલેજોના 800 અધ્યાપક સહાયકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આગામી દિવસોમાં સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ ઘડી કાઢી છે.

રાજ્યમાં ગ્રાન્ટેડ કૉલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો ન કરાતા અધ્યાપક સહાયકો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબુર બન્યા છે. અઘ્યાપકોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકારે ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિક્સ પગારમાં ત્રીસ ટકા જેટલો પગાર વધારો કર્યો છે. પરંતુ ગ્રાન્ટેડ કૉલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામા આવ્યા છે. આ અંગે અધ્યાપક મંડળ સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈપણ નિરાકરણ આવ્યું નથી.

અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, ગ્રાન્ટેડ કૉલેજના અધ્યાપક સહાયકો PhD, NET,SET, SLET જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા હોવા છતાં પણ સહાયક અધ્યાપકોનો પગાર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો કરતા પણ ઓછો છે જેનાથી ગુજરાતના શિક્ષણ જગતમાં વધુ લાયકાત અને ઓછો પગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઇને હવે વિરોધ તીવ્ર બન્યો છે.