રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. અને રાજ્ય સરકારે તમામ આરટીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા તે પહેલા સ્કુલવાહનોનું ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો. શાળાઓ 13મી જુનથી ખૂલી રહી છે. ઘણીબધી ખાનગી શાળાઓમાં તો કાલે 10મી જુનથી શિક્ષણ કાર્ય ચાલુ થઈ જશે. શાળાઓ શરૂ થતાં જ આરટીઓ દ્વારા સ્કુલવાન ચેકિંગની ઝુંબેશ શરૂ કરાશે. ઘણીબધી સ્કુલવાન ખાનગી પાસિંગ ધરાવે છે, તેમની પાસે ટેક્સી પાસિંગ હોવું ફરજિયાત છે. ત્યારે સ્કુલવાન એસોસિએશને એક મહિનો રાહત આપવા સરકારને વિનંતી કરી છે.
રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન કરાવતા ઓટો રિક્ષા તેમજ સ્કૂલવાન ચાલકોને નવું શૈક્ષણિક સત્ર ચાલુ થાય તે પહેલાં જ નિયમોનુસાર સ્કૂલવાનને ટેક્સી પાસિંગ, પરિવહનની મંજૂરી, ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાવી લેવા આરટીઓએ સુચના આપી છે. અને આગામી તા.13થી જુનથી શૈક્ષણિક સત્ર ચાલુ થયા પછી ચેકિંગ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. જે નિર્દેશને પગલે શહેરમાં અંદાજિત 4 હજારથી વધુ સ્કૂલવાન ચાલતી હોય અને ટૂંકા ગાળામાં તમામ વાહનો ટેક્સી પાસિંગ થઇ શકે તેવી સ્થિતિ ન હોવાથી ચાલકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.
રાજકોટના સ્કૂલવાન એસોસિએશન દ્વારા ટેક્સી પાસિંગ માટેની મુદત આપવાની માંગ કરી છે. રાજકોટમાં ચાર હજારથી વધુ સ્કૂલવાનમાં ફિટનેસ સર્ટિ. તેમજ ટેક્સી પાસિંગ કરવામાં અંદાજિત એક મહિના જેટલો સમય વીતી જાય તેમ હોવાથી વાહનો નિયમોનુસાર થાય તે માટે એસો. દ્વારા મુદત માગવામાં આવી છે. જો કે, રાજકોટ આરટીઓ અધિકારીના કહેવા મુજબ સ્કૂલવાન એસોસિએશનની મુદત વધારા અંગેની હજુ સુધી કોઇ રજૂઆત આવી નથી. આઠ દિવસ પહેલાં શહેરના સ્કૂલવાન સંચાલકોને આરટીઓ કચેરીએ રૂબરૂ બોલાવી નિયમોનું પાલન કરવા સમજણ આપી હતી. આ સમયે તેઓએ ઓનલાઇન ફોર્મ ભરી કાર્યવાહી કરતા હોવાનું જણાવ્યું હતું. (file photo)