Site icon Revoi.in

રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ગુજરાતી બાંધણીની પાઘડી કરશે ધારણઃ મામેરુ અર્પણ કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્વાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળશે. તેને લઈને મંદિર અને ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગજરાજોને સુંદર રીતે શણગારવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ભગવાનને મામેરુ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભગવાન જગન્નાથજી ગુજરાતી બાંધણીની પાઘડી ધારણ કરશે. ભગવાનના વાઘા ગુજરાતી થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યાં છે. આજે ભગવાનને વાઘા અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યાં હતા.

અષાઢી બીજના દિવસે અમદાવાદના જગન્નાથજી મંદિરથી ભગવાનની રથયાત્રા નીકળશે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમાલપુરના જગન્નાથજી મંદિરની સાથે ભગવાનના મામાનું ઘર ગણાતા સરસપુરમાં પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે ભગવાન જગન્નાથજીને મામેરુ અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિધિના યજમાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિર પરિસર જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાનની 144મી રથયાત્રા નીકળશે. તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ આજે ભગવાનને મામેરુ અર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષે ભગવાનના વાઘા ગુજરાતી થીમમાં હશે. ભગવાન જગન્નાથજી બાંધણીની પાઘડી ધારણ કરીને નગરચર્યાએ નીકળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને પગલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી ન હતી. જો કે, મંદિર પરિસરમાં જ રથને ફરવીને ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને જ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે.