નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખારતુમથી ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા જતી ફ્લાઈટના બંને પાયલોટ સૂઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંને પાયલોટ સૂઈ જતા એરપોર્ટથી આગળ નીકળી ગયું. બાદમાં તેને પરત લાવીને લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 183 મુસાફરો હતા. તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવીને તેની તપાસના આદેશ કર્યાં હોવાનું જાણવા મળે છે.
એક અહેવાલ અનુસાર ફ્લાઇટ ખારતુમથી અદીસ અબાબા જતી હતી દરમિયાન તેના બંને પાયલોટ ઓટોમોટ ઉપર પ્લેન મુકીને સૂઈ ગયા હતા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ સિગ્નલ મોકલ્યું કે એરપોર્ટ નજીક છે, તો પછી તમે વિમાનને કેમ નીચે નથી લાવતા. પરંતુ પાયલોટ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ સમયે પણ ફ્લાઈટ 37 હજાર ફૂટની ઉંચાઈ પર હતી. જ્યારે ATCને લાંબા સમય સુધી એરક્રાફ્ટના પાયલોટ તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ઈમરજન્સીનો અનુભવ થયો.
એરક્રાફ્ટમાં મુખ્ય પાઇલટ અને એક કો-પાઇલટ હતા. એટીસીએ ઘણી વખત એલર્ટ મોકલ્યા અને દરેક વખતે કોઈ જવાબ ન મળ્યો. ફ્લાઇટ રનવે ઉપરથી સીધી જતી જોઈને સ્ટાફ વધુ પરેશાન થઈ ગયો હતો. દરમિયાન ઑટોપાયલટ મોડ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું અને એલાર્મ વાગતા પાયલોટ જાગી ગયા હતા. જે બાદ પ્લેનને પરત લાવવામાં આવ્યું હતું. પ્લેન લગભગ 25 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. જો કે, સદનસીબે સમયગાળામાં કોઈ મોટી દૂર્ઘટના ઘટી ન હતી.
આ પહેલી ઘટના નથી કે જેમાં પાઇલોટ્સે આટલી ગંભીર બેદરકારી કરી હોય. આ વર્ષે મે મહિનામાં ન્યૂયોર્કથી રોમ સુધીની ફ્લાઈટ 38,000 ફૂટની ઊંચાઈએ હતી અને પાઈલટોએ પ્લેનને ઓટોપાયલટ મોડ પર છોડીને સૂવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં બંને પાયલોટને બરતરફ કરવામાં આવ્યા હતા.
(PHOTO-FILE)