અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!
તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું.
કહેવાય છે કે, ભૂખ્યાને ભોજન આપવુ એ સૌથી મોટુ પુણ્યકાર્ય છે. આ દુનિયામાં અસંખ્ય લોકોને બે ટંક પુરતો આહાર પણ મળતો નથી. તેવામાં AVMA દ્વારા માનવતાની માવજત માટે ભુખ્યા પેટને ઠારવા અન્નદાન મહાદાન મુહિમ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ પોત-પોતાના ઘરેથી મુઠ્ઠીભર અનાજ લઈ શાળાએ આવ્યા હતા. વિવિધ પ્રકારનું અનાજ અલગ-અલગ કરી જરૂરિયાતમંદોને વહેંચી દેવામાં આવ્યું હતું.
AVMA ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રહલાદનગર ફાયર સ્ટેશન નજીક શ્રમજીવી આવાસ અને પાલડી સ્થિત નવજ્યોત અંધજન મંડળ ખાતે જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ 130 કિલોગ્રામ ચોખા અને 75 કિલોગ્રામ તુવેરદાળનું દાન કરી સરાહનીય ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.
અદાણી વિદ્યામંદિર માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહી, પરંતુ સમાજને મજબૂત બનાવવાની દિશામાં સર્વાંગી શિક્ષણ આપી રહ્યું છે. નાની વયમાં વિદ્યાર્થીઓ દાનનો મહિમા સમજશે તો તેઓ જવાબદાર નાગરિક બની દેશની સમસ્યાઓ હલ કરતા થશે. વિદ્યાર્થીઓની સેવાવૃત્તિએ કરસનદાસ માણેકની વિખ્યાત પંક્તિઓ “ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલી થાજો” સાર્થક કરી છે.