અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન સરકારે કેટલાક નિયંત્રણો લાદતા જાહેર પરિવહન ક્ષેત્રને અસર થઈ હતી. કોરોનાના ભયને કારણે મોટાભાગના લોકો મુસાફરી કરવાનું ટાળતા હતા હવે કોરોનાનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે, બીજીબાજુ સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. ત્યારે એસટી,રેલવે જ નહીં પણ વિમાની સેવામાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મુસાફરોની સંખ્યામાં થઇ સતત થઇ રહેલા વધારાને પગલે અમદાવાદ ખાતેથી વધુ પાંચ નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસ દરમિયાન અમદાવાદને સાંકળતી મુંબઇ,ચેન્નાઇ, દિલ્હી, ઇન્દોર, કોલ્હાપુરની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓગસ્ટના પ્રારંભે ગોવા માટેની વધુ એક ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતેથી હાલમાં દરરોજની સરેરાશ 110થી વધુ ફ્લાઇટની અવર-જવર નોંધાય છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અમદાવાદને સાંકળતી ફ્લાઇટની સંખ્યા 120ને પાર થાય તેની પૂરી સંભાવના છે. હવે આગામી ટૂંક સમયમાં અમદાવાદથી પૂણેની નવી ફ્લાઇટનો પણ પ્રારંભ થવાની તૈયારી છે.
અમદાવાદ એરપોર્ટ પર એક સમયે લોકોની અવર જવર ઘટી હતી તે હવે ફરીવાર પૂર્વવત થઈ ગઈ છે. કોરોનાના ડરને કારણે લોકોએ એક સમયે ખાનગી વાહનોમાં મુસાફરી આરંભી હતી. પરંતુ હવે કોરોના ઓસરતાં જ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવર જવરમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં 2.23 લાખ અને જુલાઇમાં 3.32 લાખ નોંધાઇ હતી. એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવરમાં પણ વધારો નોંધાયો છે. મે મહિનામાં 215 ફ્લાઇટમાં 7442, જૂનમાં 212 ફ્લાઇટમાં 9288 અને જુલાઇમાં 260 ફ્લાઇટમાં 12 હજાર 543 આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવર હતી. આમ, જુલાઇમાં અમદાવાદ એરપોર્ટમાં પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં 48થી વધુ મુસાફરો નોંધાયા હતા.જુલાઇ મહિનામાં દિલ્હી એરપોર્ટથી સૌથી વધુ 20.29 લાખ, મુંબઇ એરપોર્ટમાં 10.05 લાખ, કોલકાતામાં 5.74 લાખ, ચેન્નાઇમાં 4.46 લાખ સાથે સૌથી વધુ મુસાફરોની અવર-જવર હતી. અમદાવાદ એરપોર્ટમાં જુલાઇ મહિના દરમિયાન કુલ 3364 ફ્લાઇટમાં 3 લાખ 32 હજાર 887 મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા સરેરાશ 98 થી વધારે હતી. જેની સરખામણીએ કોરોનાની બીજી લહેર દરમિયાન મે મહિનામાં પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા માત્ર 73 હતી. જેના ઉપરથી જ એરટ્રાફિક હવે પૂર્વવત્ થયાનો તાગ મેળવી શકાય છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ એરપોર્ટમાં જૂન મહિનામાં દરરોજ સરેરાશ 7461 મુસાફરોની અવર-જવર હતી. હવે જુલાઇમાં તે વધીને 10 હજાર 738 થઇ ગઇ છે.