જુનાગઢઃ સોરઠ પંથકમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. માં અંબાના દર્શને આવતા પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.
ગિરનારમાં ઉનાળાના વેકેશનને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સોમવાર સવારથી જ ગિરનાર પર્વત પર પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શને આવેલા ભાવિકો ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા હતા. ભારે પવનને કારણે રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે અને વાતાવરણ શુદ્ધ થતા રોપવે શરૂ કરવામાં આવશે.
સોરઠ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બીજી બાજુ ઉનાળુ વેકેશનને કારણે સાસણગીર સહિત ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જુનાગઢમાં મોટાભાગના ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ હાઉસફુલ જોવા મળી રહી છે. ગીર વિસ્તારમાં આજે સોમવારે સવારથી ભારે પવન ફુંકાવા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કમોસમી વરસાદના છાંટણાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આથી ગરમીમાં શેકાય રહેલા લોકોએ રાહત અનુભવી હતી. ભારે પવનને લીધે રોપવે સેવા પણ બંધ કરવામાં આવી હતી. જો કે, રોપવે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. ભારે પવનને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રોપવેના સંચાલકોએ નિર્ણય લીધો હતો.