રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 11 વર્ષનો રેકોર્ડ તોડીને પ્રતિ 20 કિલોના રૂ.1721 બોલાયો
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી આગામી 5 ઓક્ટોબરના રોજ યોજાશે. આ માટે 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકાર વિભાગની 2 સહિત 16 બેઠક પર ચૂંટણી યોજાશે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો હતો. એક મણ કપાસના 1721 રૂપિયા ભાવ બોલાયો હતો. આ ભાવે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારમાં શંકરસિંહ વાઘેલા જ્યારે કાપડ મંત્રી હતા ત્યારે એક મણ કપાસનો ભાવ 1500 રૂપિયા બોલાયો હતો. જોકે ચાલુ વર્ષે કપાસની માગના પ્રમાણમાં ઉત્પાદન ઓછુ છે. આથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોએ કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. આથી કપાસની માગ વધે તેવી શક્યતા છે અને ભાવ પણ સારા મળી રહે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે. જોકે ખેડુતો ગુલાબી ઈયળોના ત્રાસથી કંટાળી અનેક ખેડૂતો કપાસનું વાવેતર ટાળી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એક પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં એક ટ્યૂબથી કપાસમાં આવતી ગુલાબી ઈયળનો સફાયો થતો હોવાનો દાવો કર્યો છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કપાસનું સારૂએવું વાવેતર થયું છે. કપાસની અલગ અલગ જાતો પ્રમાણે ભાવમાં તફાવત હોય છે. પરંતુ હાલ કપાસના ભાવ સારા મળી રહ્યા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે.