કપડવંજના રૂપજી ગામે જમીન ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, એકનું મોત
નડિયાદઃ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે ચાલી રહેલા સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનના કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતુ, જ્યારે ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે મંગળવારની બપોરે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ગામની સીમમાં સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એકાએક જમીન પરની માટી ધસી પડતાં નીચે કામગીરી કરી રહેલા ચાર શ્રમિકો દબાયા હતા. મહામહેનતે ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા શ્રમિકનું મોત નીપજ્યું હતુ, જ્યારે ત્રણ શ્રમિકોને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ત્રણેય શ્રમિકોની સ્થિતિ નાજુક બનતાં કપડવંજથી બહાર સારવાર અર્થે રિફર કરાયા હોવાની માહિતી મળી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ચારેય શ્રમિકો દાહોદ જિલ્લાના વતની હોવાની માહિતી મળી છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી રહી છે. આ ઘટનામાં ગામના સરપંચ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામગીરી ચાલુ હતી આ દરમિયાન જમીન ધસી પડતાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે.