અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે શખસોએ દુબઈથી આવેલા યુવકને લૂંટી લીધો
અમદાવાદઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી CBI ઓફિસર, નકલી IT ઓફિસર, નકલી ટ્રાફિક પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો બનતા હોય છે. હવે કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે ગઠિયાએ એરપોર્ટ પર ઉતરેલા એક યુવાન સાથે છેતરપિંડી કરી હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીની ઓળખ આપીને દુબઈથી આવેલા યુવકને લૂંટી લેવામાં આવ્યો હતો. નકલી કસ્ટમ ઓફિસર બનીને આવેલા બે શખ્સોએ તમે ગોલ્ડ લાવ્યા છો તેમ કહીને ચેકિંગ કરવા માટે યુવકને ટોઈલેટમાં લઈ ગયા હતા અને અહીં યુવકને નગ્ન કરીને તેની તપાસ કરી હતી. આ પછી નકલી કસ્ટમ અધિકારી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. અંતે યુવકને છેતરાની જાણ થતાં યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈથી અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા 34 વર્ષના સુરતના મોહમ્મદ આસીફ શેખને બે શખસોએ પોતે કસ્ટમ ઓફિસર હોવાની ઓળખ આપીને પૂછપરછ કરી હતી. આ પછી તેમને ચેકિંગ કરવું પડશે તેમ કહીને ટોઈલેટમાં લઈ ગયા હતા. અહીં યુવકને નગ્ન કરીને તેની તપાસ કરવાના બહાને મારઝુડ કરીને ધાકધમકી આપી હતી. આ ત્યારબાદ નકલી કસ્ટમ ઓફિસરના સ્વાંગમાં આવેલા બે શખ્સો આસીફ પાસેથી પાસપોર્ટ, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 5 હજાર લઈને ફરાર થઈ ગયા હતા. આથી ગભરાયેલો યુવક એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કસ્ટમ અધિકારી બનીને આવેલા બે શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
સઊત્રોએ વધુમા જણાવ્યું હતું કે, મોહમ્મદ આસીફ શેખ નામના યુવાને દુબઈથી આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી ટર્મિનલ 2 પરથી એરપોર્ટની બહાર નીકળીને કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા શોધી રહ્યો હતો. દરમિયાન બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. અને પોતે કસ્ટમ ઓફિસર હોવાની ઓળખ આપીને તેમને દુબઈથી ગોલ્ડ લઈને આવ્યા છો જેથી તમારું ચેકિંગ કરવું પડશે તેમ કહીને આસીફને ટોઈલેટમાં લઈ ગયા હતા. આસીફની બેગની તપાસ કરવાની સાથે તેમના કપડા ઉતરાવી નાખ્યા હતા અને મારઝુડ કરી હતી. હાથપગ તોડી નાખવાની ધમકી આપીને આસીફ પાસેથી તેનો ભારતીય પાસપોર્ટ, મોબાઈલ ફોન અને રોકડા પાંચ હજાર રૂપિયા લઈ લીધા હતા. પોતાનું કામ થઈ જતા કસ્ટમ ઓફિસરના સ્વાંગમાં આવેલા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ પોતાની સાથે કંઈક ખોટું થયું હોવાનું માલુમ પડતા આસીફે આ અંગે તાત્કાલિક એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાથે બનેલી ઘટના પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ પોલીસે બે અજાણ્યા શખસોએ કરેલી લૂંટના કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.