અંબાજી મંદિરના ચાચર રોકમાં અંતિમ નોરતે શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી
અમદાવાદઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નવરાત્રીના અંતિમ દિવસે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવી હતી.
આદ્યશકિતની આરાઘનાનાં પર્વ નવરાત્રિના નવમા અને છેલ્લાં નોરતે યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા ગરબામાં રાજ્ય શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે રાજ્યના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ વધે તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું કે, નવરાત્રિના આનંદ-ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ આવે અને માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિ મહતોસ્વની ધાર્મિક મહાલોમાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.