પાવાગઢમાં પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકોએ ઉત્સાહમાં આવી 300 ખૂરશીઓ તોડી
હાલોલઃ પંચમહાલ જિલ્લામાં દર વર્ષે પંચ મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વખતે જિલ્લાના પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરાયું હતું. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા ખુલ્લા કરી દીધી હતી. દરમિયાન કિંજલ દવેના ગીતના કાર્યક્રમમાં મોજમાં આવી ગયેલા લોકોએ ખૂરશીઓ ઉછાળી હતી, તેના લીધે 300 જેટલી ખૂરશીઓનો બુકડો બોલી ગયો હતો. તેથી આયોજકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરસીઓ ઊછળી હતી. કાર્યક્રમમાં લોકોએ ખુરસી ઉછાળીને તોડફોડ કરી હતી. કિંજલ દવે ગીતની રમઝટ બોલાવી રહી હતી. આ દરમિયન ગીતોથી દર્શકો ઉત્સાહિત થયા હતા અને ઉત્સાહમાં આવી ગયેલા દર્શકોએ ખુરસીઓ ઉછાળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાને થાળે પાડવા પોલીસ કામે લાગી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પંચમહોત્સવમાં વિવિધ કલાકારોને બોલાવીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શુક્રવારની રાતે કિજલ દવેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ખુરશીની વ્યવસ્થાઓ ઓછી હતી. જેથી ઉભા રહીને કાર્યક્રમ નિહાળવો પડયો હતો. સંગીત સંધ્યામાં બેઠક વ્યવસ્થા પર લોકો ખુરશી પર ઉભા રહીને નાચગાન કરતાં બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી હતી. દરમિયાન કેટલાક યુવાનોએ ખુરશીનો કુરચો બોલાવી દેતાં આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી હતી. સ્ટેજ પરથી શાંતિ રાખવાની અપીલ કરવા છતાં બેકાબુ બનેલા યુવાનોને કાર્યક્રમમાં અવ્યવસ્થા ફેલાતાં અનેક ખુરશીઓ ઉછળીને તોડી નાખી હતી. બે વર્ષ બાદ યોજાયેલો પંચમહોત્સવ કાર્યક્રમ ઉત્સાહ વિનાંનો રહ્યો હતો.