પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અને જિલ્લાની તમામ કોર્ટમાં આગામી 11 ફેબ્રુઆરી-2023 ના રોજ લોકઅદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપકમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને-2023 ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર અને જિલ્લાની તમામ કોર્ટમાં આગામી તા. 11મી ફેબ્રુઆરીને શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું છે.જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા, સમાધાન માટે મુકી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોક અદાલતમાં જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિટેન્ડન્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર- 02742- 261495 ના સરનામે સંપર્ક કરવા તેમજ તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું છે. બનાસકાંઠા બાર એસો. દ્વારા પણ લોક અદાલતમાં વધુ કેસોમાં સમાધાન થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.