મુંબઈ -આજરોજ 30 નવેબરને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના 145મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરશે . તેઑ આગામી 5મી બટાલિયનની ઇમારતનો શિલાન્યાસ પણ કરશે.
આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે કહ્યું કે યોગ એ વિશ્વ સમુદાયને ભારતની અમૂલ્ય ભેટ છે અને યોગનો સતત અભ્યાસ ‘કૈવલ્ય’ પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. તેમણે કહ્યું કે યોગના ફાયદા બાળકો અને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભારતીય જ્ઞાન પરંપરામાં રહેલા યોગના જ્ઞાનને શિક્ષણ પ્રણાલીમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ પૂણે જિલ્લાના લોનાવાલા ખાતે ‘શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગનું એકીકરણ – વિચારો વ્યક્ત કરવા’ થીમ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કૈવલ્યધામ સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે યોગ એ ભારત દ્વારા વિશ્વ સમુદાયને આપેલી અમૂલ્ય ભેટ છે અને 2015 થી વિશ્વના મોટાભાગના દેશોમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી શરૂ થઈ છે. તેમણે રેખાંકિત કર્યું કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના ઠરાવમાં સ્પષ્ટ કર્યું છે કે યોગાભ્યાસ આરોગ્ય અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરે છે અને સમગ્ર વિશ્વ સમુદાયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
એકેડમીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાષ્ટ્રપતિ એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. આ પછી મેડલ વિજેતાઓ અને વિદેશી કેડેટ્સ અને વાલીઓ સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી મહારાષ્ટ્રની ચાર દિવસીય મુલાકાતે છે.