વડોદરાઃ પશ્વિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે રેલવેના કોચમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ રિલેક્સ બને તે માટે બોડી મસાજ કેન્દ્રો પણ શરૂ કરાયા છે. જેમાં વડોદરા રેલવે સ્ટેશન પર વાતાનુકૂલિત બોડી મસાજ કેન્દ્ર શરૂ કરાયું છે. યાંત્રિક ચેર પર પ્રવાસીને બેસાડીને પૂર્ણ બોડી મસાજ થાય છે, એના માટેના દર પણ નક્કી કરાયા છે.
વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પ્રવાસીઓને સુવિધા આપવા અને તેમના પ્રવાસને વધુ આરામદાયક બનાવવા માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે. વડોદરા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના રાહ જોવાના સમયને વધુ આરામદાયક બનાવવા અને તેમના સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે રિલેક્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રવાસીઓને આરામ આપવા માટે વિવિધ પ્રકારના સાધનો લગાવવામાં આવ્યા છે. આ અંગે વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર મંજુ મીનાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની સુવિધા વધારવા અને તેમના પ્રવાસને વધુ આરામદાયક બનાવવા સતત પ્રયાસો કરી રહ્યા છીએ. હવે વડોદરા રેલવે સ્ટેશન પર રિલેક્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. તેનો કોન્ટ્રાક્ટ એક કંપનીને ત્રણ વર્ષ માટે આપવામાં આવ્યો છે, જેનાથી રેલવે પ્રશાસનને પ્રતિવર્ષ 3 લાખ રૂપિયાની રેવેન્યુ પણ મળશે. આ રિલેક્સ ઝોન સંપૂર્ણ પણે એર કન્ડિશન્ડ છે. અહીં સંપૂર્ણ બોડી મસાજની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ રિલેક્સ ઝોનમાં ફુલ બોડી મસાજ માટે 10 મિનિટ માટે 99 રૂપિયા, 15 મિનિટ માટે 150 રૂપિયા અને 30 મિનિટ માટે 250 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. આ સિવાય ફૂટ મસાજ માટે 10 મિનિટ માટે 70 રૂપિયા, 15 મિનિટ માટે 100 રૂપિયા અને 30 મિનિટ માટે 160 રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.