Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીમાં દર પૂનમે ભક્તોને અપાશે ‘ચા’નો પ્રસાદ,

Social Share

પાલનપુરઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી બાદ પણ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. જેમાં શરદ પૂર્ણિમાંના દિને બોલ માળી અંબે જય, જય અંબેના નાદ સાથે ભાક્તોની ભારે ભીડ જામી હતી.  અંબાજીમાં દર્શન કરવા જતાં ભક્તો જરૂર મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. પરંતુ હવે અંબાજીમાં ભક્તોને ચાનો પ્રસાદ પણ મળશે. અંબાજી મંદિરમાં શરદ પૂનમથી ચાચરચોકમાં ચાના પ્રસાદનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. ખાસ કરીને દર મહિનાની પૂનમના દિવસે તો લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે, અને  હવે ચાના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શરદ પૂનમથી  ચાના પ્રસાદની શરૂઆત કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા ભક્તોને દર પૂનમે હવે ચાનો પ્રસાદ મળશે. ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા મંદિરના ચાચરચોકમાં ચાના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે દર પૂનમે અંબાજીના ચાચર ચોકમાં ચાની પ્રસાદી માટે કેમ્પ રાખવામાં આવશે. મંદિરમાં દર્શન કરતા આવતા ભક્તોને નિઃશુલ્ક ચાનો પ્રસાદ અપાશે.

અંબાજીમાં દર્શન માટે આવતા યાત્રિકો માટે અનેક સેવાભાવી લોકો સેવા આપતા હોય છે. ભાદરવી પૂનમે તો પગપાળા માતાજીના દર્શન માટે આવતા ભાવિકોને તો ઠેર ઠેર કેમ્પ લગાવીને સેવાભાવી લોકો યાત્રિકોની સેવા કરતા હોય છે.