અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બેનમુન આઈકોનિક ફુટબ્રિજ બનાવીને બ્રિજને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ અટલ બ્રિજના નામે ઓળખાય છે. માત્ર શહેરીજનો જ નહીં બહારગામના લોકો પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે અટલબ્રિજને નિહાળવા અવશ્ય જતાં હોય છે. હાલ શહેરની શાન અને આકર્ષણનું કેન્દ્ર ગણાતો એવો અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. ગ્લાસ વોક વે ડેમેજ થઈ જતા હવે મુલાકાતીઓ આના પરથી પસાર નહીં થઈ શકે એવો નિર્ણય કરાયો છે. તંત્રએ આ ગ્લાસની આજુબાજુ રેલિંગ કરી દીધી છે. જેથી અહીં કોઈપણ વ્યક્તિ ગ્લાસ પર ઊભા રહીને સેલ્ફી કે વીડિયો પણ ઉતારી નહીં શકે. આ તમામ પગલા કાચ ન તૂટે એના માટે લેવામાં આવ્યા છે. કહેવાય છે, કાચની કિંમત રૂપિયા 80 હજાર હતી. જ્યારે કાચ ફરતે રેલીંગ લગાવવાનો ખર્ચ ચાર લાખનો કરાયો છે. આમ ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડ્યાની ચર્ચાઓ જાગી છે.
આમદાવાદના સાબરમતી નદી પરના અટલ બ્રિજના ગ્લાસ વોક વે પર ચાલવાનો રોમાંચ જ કંઈક અલગ હતો. મોટાભાગના મુલાકાતીઓ વોક કરવાની ઈચ્છાએ અટલ બ્રિજની મુલાકાતે આવતા હતા. સાબરમતી નદીને વહેતી જોવા અને જાણે પગના તળિયેથી પસાર થતી હોય એનો લ્હાવો લેવાની મજા હવે મુલાકાતીઓને નહીં મળે. ગત મહિનામાં અટલ બ્રિજના ગ્લાસ પર પહેલીવાર તિરાડ પડી હોવાની ઘટના સામે આવી હતી. જેના કારણે એએમસીના સત્તાધિશોએ બ્રિજ પરના તૂટી ગયેલા કાચને બદલવાની કવાયત હાથ ધરવી પડી હતી. રિપોર્ટ્સ પ્રમાણે એવું જણાવાયું હતું કે લોકોના ધસારો આ બ્રિજ પર વધી ગયો છે. જેના કારણે કાચ પરથી અવાર નવાર લોકો પસાર થઈ ગયા છે. તેથી એમાં તિરાડો પડી હોઈ શકે છે. લગભગ 10 દિવસ પહેલા આ કાચને રિપ્લેસ કરી દેવાયા હતા. પરંતુ લોકોનો ધસારો સતત વધી રહ્યો હતો. તથા કાચમાં તિરાડો કે સ્ક્રેચ ન પડે તથા સેફટીને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવાયો છે. AMCએ સુરક્ષા માટે કાચની ફરતે રેલિંગ લગાવી દીધી છે. જેની પાછળનો ખર્ચ અંદાજે 4 લાખ રૂપિયા સુધી કરાયો છે.