નાતાલમાં બાળકો મોજ મહાણી શકે તે માટે 25મી ડિસેમ્બર સુધીમાં અટલ એક્સપ્રેસ ચાલુ કરી દેવાશે
અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂ કરાયેલી અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા કટાઈ-ખવાઈ ગયા હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને આગામી તારીખ 25મી ડિસેમ્બર પહેલા અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા બદલાઈ જશે અને ટ્રેન ચાલુ થઈ જશે. નાતાલની રજાઓમાં બાળકો કાંકરિયા લેક ખાતે અટલ એક્સપ્રેસની મજા મહાણી શકશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના રિક્રિએશન કમિટીના ચેરમેન રાજુ દવેએ જણાવ્યું હતું કે સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ એટલે કે તારીખ 25મી ડિસેમ્બર પહેલા કાંકરિયા લેકફ્રન્ટમાં અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેન ચાલુ થઈ જાય તે માટે ઝડપી ગતિએ કાર્ય કરવા માટેની તંત્રને સૂચના આપવામાં આવી છે. અગાઉ અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેન જ્યાં દોડતી હતી તે ટ્રેકમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પાટા કટાઈ-ખવાઈ ગયા હતા. જેથી હાલ અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના ટ્રેકમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, કાંકરિયા લેકફ્રન્ટમાં કોરોના વાયરસની મહામારીના કારણે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું નથી. પરંતુ, આ વર્ષે કોરોના વાયરસની મહામારી કાબૂમાં રહેશે તો કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાશે. જોકે રિક્રિએશન કમિટીના ચેરમેને કહ્યું કે હજુ સુધી એવી કોઈ વિચારણા કરવામાં આવી નથી. રિક્રિએશન કમિટીની બેઠકમાં કેટલાંક મ્યુનિસિપાલિટી બગીચાઓમાં રમતગમતના સાધનો તૂટેલા જોવા મળતા હોવાની ફરિયાદ કરતા ગાર્ડન ખાતાના ડાયરેક્ટરે એવી માહિતી આપી હતી કે શહેરના 35 જેટલા બગીચામાં રમતગમતના સાધન રિપેરિંગ કરવામાં આવ્યા છે અને બાકીના બગીચાઓમાં પણ તપાસ કરીને રમતગમતના સાધનો રિપેરિંગ કરવામાં આવશે.
દિવાળી બાદ રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. અને સતત કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 54 કેસ નોંધાયા હતા. અને તેમાંથી સૌથી વધારે 28 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાએ માથું ઉંચકતા એએમસી પણ એક્શનમાં આવી ગઈ છે. અને અમદાવાદમાં ફરીથી ટેસ્ટિંગ માટેનાં 40 ડોમ શરૂ કરવામાં આવ્યા છે.