Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એટીકેટીની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે

Social Share

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વિવિધ વિદ્યાશાખાની એટીકેટીની પરીક્ષા આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિ.દ્વારા દર વર્ષે એટીકેટીની પરીક્ષાઓ જે ઓક્ટોબર માસમાં લેવામાં આવતી હતી, તેના બદલે હવેથી એક મહિના પહેલા સપ્ટેમ્બરમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી એટીકેટીના પરિણામો વહેલા જાહેર કરી શકાશે. અને તેથી વિદ્યાર્થીઓને રાહત થશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર એટીકેટીના વિદ્યાર્થીઓની પરીક્ષા વહેલી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી હિતના આ નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા એટીકેટીવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓક્ટોબર માસમાં લેવામાં આવતી હતી, પરંતુ હવેથી યુનિવર્સિટીએ આ પરીક્ષા એક માસ પહેલા એટલે કે સપ્ટેમ્બર માસમાં લેવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે વિદ્યાર્થીઓને પરિણામ પણ સમયસર મળી શકશે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બાબતે પણ ઘણી સરળતા મળી રહેશે. કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું કે પરીક્ષા વિભાગ આ બાબતે પહોંચી વળવા સજજ છે કે કેમ તે બાબતે આ અંગે પરીક્ષા નિયામક સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓ એક- બે વિષયમાં નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે એટીકેટીની પરીક્ષા લેવામાં આવે છે. એટીકીટીની પરીક્ષા દર વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં લેવામાં આવતી હતી. તેથી વિદ્યાર્થીઓને સેમેસ્ટરની અને એટીકેટીની પરીક્ષા નજીકમાં યોજાતી હોવાથી બન્ને પરીક્ષાની એક સાથે જ મહેતન કરવી પડતી હતી હવે એટકેટીની પરીક્ષા એક મહિનો વહેલા લેવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ સેમેસ્ટરની પરીક્ષાની યોગ્યરીતે તૈયારીઓ કરી શકશે.