1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું
આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું

આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું

0
Social Share

અમદાવાદઃ પાદરા તાલુકાની એક ઉત્તર બુનિયાદી શાળાના આચાર્યએ કરેલા જતન અને સિંચનના પરિણામે આંબાઓનું એક નાનું ઉપવન સર્જાયું છે. છેલ્લા પાંચ વર્ષની લાગલગાટ મહેનત અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે આચાર્યએ શાળાની જમીનમાં વાવેલા આંબાઓ પૂરબહારમાં ખીલી ઉઠવાની સાથે શાળાને પગભર બનાવવા તરફ પણ લઈ જવા મક્કમ કદમ ઉઠાવ્યા છે.

વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમણભાઈ લીંબચિયા વિદ્યાર્થીઓને કોઈ પણ ભૌતિક સુવિધાઓનો અભાવ ન રહે તે માટે શાળાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

આચાર્ય રમણભાઈ લીંબાચિયા અને ગ્રામ સ્વરાજ મંડળના સહયોગથી શાળા પ્રકૃતિનું જતન કરી શકે અને આત્મનિર્ભર બને તે માટે 525 જેટલા કેસર આંબાની કલમો વાવવામાં આવી છે. હરિયાળું આંબાવાડિયું ઉભુ કરવાની સાથે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

આંબાવાડી બનાવવાની શરૂઆત વિદ્યાર્થીઓ પાસે અલગ-અલગ છોડ રોપાવીને તેના ઉછેર થકી નર્સરી તૈયાર કરાવવાથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઉગાડેલા છોડ પોતાના ઘરની આસપાસની જગ્યા પર વૃક્ષારોપણ માટે આપવામાં આવતા હતા. એના પછી શાળાના આચાર્યને વિચાર આવ્યો કે વૃક્ષારોપણ તો કરી જ રહ્યા છે, તો શાકભાજી કે ફળફળાદી કેમ નહીં..!!?

આચાર્ય લિંબાચિયાની સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિ થકી શાળા દ્વારા આંબાની કલમના વાવેતરનો વિચાર ગ્રામ સ્વરાજ મંડળ સમક્ષ મૂકવામાં આવ્યો, પરંતુ આંબાવાડી ઉભુ કરવા માટે એક કલમ દીઠ રૂ.250-300 ની રકમ અને તેની માવજત ખર્ચ માટેના નાણાકીય ભંડોળની અછત હતી. પરંતુ રમણભાઈએ પોતાની શાળાના ઉત્કર્ષ માટેના એ વિચાર પર પૂર્ણવિરામ ન મૂકતા વિવિધ ખાનગી સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ અભિયાનમાં શાળાના ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો.

શાળાની આર્થિક સ્થિતિ વિકસાવીને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ આપી શકાય તે માટે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનીયાદી વિદ્યાલયને આચાર્ય રમણભાઈની રજૂઆતથી સકારાત્મક પ્રતિભાવ આપી પાદરાની સ્થાનિક ખાનગી કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબ્લિટી માટે ભંડોળની સખાવતી ગ્રાન્ટના ઉપયોગ થકી દરવર્ષે રૂ.250 ના એક એવી 100 આંબાની કલમો આપવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી તે ખાનગી કંપની આ રીતે 100 આંબાની કલમ આપે છે તે સાથે સિંચાઇ માટે ટપક સિંચાય માટેનો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. મળેલ કુલ કલમ રોપવામાં આવી અને તેની યોગ્ય માવજત બાદ હાલમાં કુલ 525 જેટલા આંબાનું ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આચાર્ય રમણભાઈએ જણાવ્યું કે, આંબાની કલમો સાથે લીલા શાકભાજી તેમજ ફળફળાદીનું પણ વાવેતર કરવામાં આવે છે. ચોળી, વાલોળ, પાપડી અને તુવેર જેવા શાકભાજી તેમજ બોર અને સેતુર જેવા ફળોની પણ ખેતી કરવામાં આવી છે. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે અને બજારમાં પણ વેચવામાં આવે છે. આ શાકભાજી અને ફળોના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ શાળા તથા છાત્રાલયના વિધાર્થીઓની સુવિધા અને સુખાકારી માટે થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code