ઓમાનમાં ફસાયેલી 3 ભારતીય મહિલાઓ ઉપર ગુજારાયો અત્યાચારઃ આપવીતિ જાણીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં
કાનપુરઃ ઓમાનમાં ફસાયેલી ઉન્નાવની મહિલા સહિત 3 મહિલાઓ પોતાના ઘરે પરત ફરી હતી. પોલીસે ત્રણેય મહિલાઓનું અમોસી એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. મહિલાઓએ ઓમાનમાં થયેલી બર્બરતાની વાત કરતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શેખોએ આ મહિલાઓને ખરીદી હતી અને 20-20 કલાક કામ કરાવતા હતા. ભૂલ થવા ઉપર માર મારતા હતા. એટલું જ નહીં ગરમ પાણી પણ નાખતા હતા. ક્રાઈમબ્રાન્ચે મહિલાઓની ફરિયાદના આધારે ગુનો નોંધીને વિદેશ મોકલનાર એજન્ટને ઝડપી લેવા કવાયત આરંભી છે. ડીસીપી ક્રાઈમે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા મારફતે આ મહિલાઓએ મદદ માંગી હતી. ચેન્નાઈ અને પંજાબની એક-એક મહિલાને મુક્ત કરાવાઈ છે.
રિઝવી રોડ ખાતે રહેતી 45 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે, કેટલાક વર્ષો પહેલા પતિ તરછોડી જતો રહ્યો હતો. 3 બાળકોના ભરણપોષણની જવાબદારી આવી હતી. આ દરમિયાન એક એજન્ટ સાથે મુલાકાત થઈ હતી. તેણે ઓમાનમાં સારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેમજ ટુરિસ્ટ વિઝા ઉપર ઓમાન મોકલી હતી. એક કંપનીએ તેમને શેખને વેચી હતી. વિઝા ખતમ થતા ત્યાં ફસાઈ ગઈ હતી. આશા ન હતી કે પરત ભારત ફરીશ.
ઉન્નાવની 44 અને 46 વર્ષીય મહિલાઓને પણ ઓમાન મોકલવામાં આવી હતી. એકના પતિનું મોત થયું હતું. એજન્ટે તેને દર મહિને 40 હજાર આપવાની લાલચ આપી હતી. ઓમાન પહોંચ્યા બાદ મહિલાની મુશ્કેલીમાં વધારો થયો હતો. તેને ખાવા પણ મળતું ન હતું અને બીમારીમાં પણ કામ કરાવવામાં આવતું હતું. પીડિત મહિલાઓએ જણાવ્યું હતું કે, શેખને પરત ભારત મોકલવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેણે ચાર-ચાર લાખની માંગણી કરી હતી. જો કે, વિદેશ મંત્રાલયની ઈનપુટના આધાર પર ઓમાન સરકારે મહિલાઓને મુક્ત કરાવી હતી.
ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ પણ કેટલીક મહિલાઓ ઓમાનમાં ફસાયેલી છે. જેમાં ઉત્તરપ્રદેશ સહિત મોટાભાગના રાજ્યોની મહિલાઓનો સમાવેશ થાય છે. તમામને મુક્ત કરાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. અત્યાર સુધીમાં 16 મહિલાઓને મુકત કરાવવામાં આવી છે. આ પ્રકરણમાં 3 એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય કેટલાક આરોપીઓના નામ પણ સામે આવ્યાં છે તેમને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.