નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી હોય તેમ ગુનાખોરી વધી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને લઘુમતીઓ ઉપર હુમલા કરીને ભયનો માહોલ પેદા કરી રહ્યાં છે. આ ઉપરાંત લઘુમતી સમાજની ધાર્મિક ઈમારતોને નુકસાન પહોંચાડીને લાગણી દુભાવવાના પ્રયારસો થઈ રહ્યાં છે. લઘુમતી અહમદી સમાજના લોકોની કબરોને કટ્ટરપંથીઓ દ્રારા તોડી નાખવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં કબરોને અપવિત્ર કરવાનો પ્રયાસ થયો હતો.
જમાત અહમદિયા પાકિસ્તાનના આમીર મેહમૂદે જણાવ્યું હતું કે હફિઝાબાદ જિલ્લામાં આ કબરો આવેલી છે, જેને તોડી નાખવામાં આવી, એટલું જ નહીં તેના પર અહમદી ડોગ એટલે કે અહમદી સમાજના લોકો કુતરા છે તેવો સંદેશો પણ લખવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં લઘુમતી અહમદી સમાજના લોકો જીવતા હોય ત્યારે તો તેમના પર અત્યાચાર થાય જ છે, તેમના મર્યા બાદ પણ કબરમાં પણ તેમના પર અત્યાચાર ગુઝારવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ કબરોને અપવિત્ર કરીને તેને તોડી પાડનારા કટ્ટરવાદીઓ, આતંકવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવે. આ પહેલા ૧૬મી ઓગસ્ટના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અહમદી સમાજના લોકોની કબરોને તોડી પાડવામાં આવી હતી.