અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારોનું મોટું રેકેટ પકડાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ) દ્વારા થોડા દિસ પહેલા 28 ઇસમોને 60 હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની ATSને જાણકારી હતી. ત્યારે ATSએ વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ હથિયાર શા માટે રાખ્યા હતા તથા અત્યાર સુધી તેનો કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે નહીં, તે બાબતે ATSએ તપાસ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા હથિયારોનું સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે વેચાણ થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ) દ્વારા થોડા દિવસ અગાઉ જેલમાં રહી પેરોલ જમ્પ કરેલા આરોપીઓને 4 હથિયાર સાથે ઝડપ્યા હતા. જેમાં આરોપીઓએ ગેરકાયદે હથિયાર લાવીને સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ATS એ અલગ-અલગ જગ્યા પર એક સાથે ઓપરેશન હાથ ધરીને 28 લોકોને 60 ગેરકાયદે હથિયાર સાથે પકડ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ હથિયાર વેચ્યા હોવાની માહિતી હતી. જેના આધારે ATSએ અલગ-અલગ ટીમો બનાવીને 9 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની પાસેથી 18 હથિયાર કબ્જે કર્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો વેચવાનું રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આવા હથિયાર ખરીદનારા 28 ઇસમોને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસ સાથે ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમા આ ગુનામાં સંડોવાયેલ દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ તથા અન્ય આરોપીઓની પોલીસે પુછપરછ કરતા વધુ 9 આરોપીઓની આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવાતા ગુજરાત ATS ની અલગ અલગ ટીમો બનાવી તેમને રાઉડઅપ કરવામાં આવ્યા હતા. અગાઉ લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સના 4 હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપાયો હતો. આમ ગુજરાત ATSની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયાર તથા 18 કારતૂસ કબ્જે કર્યા છે. જોકે આ અંગે વધુ તપાસ બાદ ગેરકાયદેસર હથિયારો મળી આવવાની શક્યતાઓ રહેલી છે.