- ડ્રગ્સનો જથ્થો પોરંબદર પોર્ટ પર લવાયો,
- મધ દરિયે આવી રહેલી બોટમાં ડ્રગ્સ હોવાની NCBને બાતમી મળી હતી,
- ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ સમાન
પોરબંદરઃ ગુજરાતમાં 1600 કીમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્ર્ગ્સ માફિયાઓ માટે ડ્રગ્સ ઘૂંસાડવા માટે સ્વર્ગસમાન બની રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ સામે સતત વોચ રાખતી હોય છે. ત્યારે પોરબંદરના મધ દરિયે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ નેવીની મદદ લઈને સંયુક્ત ઓપરેશન હાથ ધરી 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થા સાથે 8 ઈરાની શખસોને ઝડપી પાડ્યા છે. જોકે આ અંગે હજુ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.
સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નેવીની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવી રહી હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. જેમાં 700 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4,000 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
સૂત્રોના કહેવા મુજબ મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. અને બોટ આંતરીને 700 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. આઠ જેટલા ઇરાની શખસો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સંકજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેઘર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે SOGની ઓફિસ ખાતે લઇ જવામાં આવ્યા છે. મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં અંદાજીત 700 કિલો ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી.