Site icon Revoi.in

આણંદ કલેકટર ઓફિસમાં સ્પાય કેમેરા લાગાડવાના આરોપમાં ATS ફરિયાદી બન્યુ, 3ની અટકાયત

Social Share

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને કલેકટરને ફસાવવાના કેસમાં ATSએ પોતે જ ફરિયાદી બનીને  મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની અટકાયાત કરીને પૂછતાછ કરી હતી. આ કેસમાં જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે  સીટની રચના કરવામાં આવી છે.

ATSના સૂત્રોના જણાવ્યા બાદ આણંદના જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરો લગાવવા મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. કલેક્ટરને ફસાવવા માટે ચોંકાવનારી હકિકત બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી મળી છે. સ્પાય કેમેરા લગાવ્યા બાદ તત્કાલિન કલેક્ટર ગઢવી અશ્લિલ હરકત કરતા કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો હોવાનું કહેવાય છે.

આ કેસની વિગત એવી છે. કે, આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ અંગે પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં હતા, જેમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું હતું. ગઢવીને સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. બાદમાં તેમનો ચાર્જ આણંદ ડીડીઓ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હતો. 2008ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો.