અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર માટે પોલીસી બનાવ્યા બાદ ગત તા. 1લી સપ્ટેમ્બરથી ઢોર પોલિસીનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. રોજબરોજ રખડતા ઢોર પકડીને ઢોરવાડામાં મોકલી દેવામાં આવે છે. સોમવારે સવારે એએમસીના દક્ષિણ ઝોન વિસ્તારમાં CNCD વિભાગની ટીમ રખડતા ઢોરને પકડવા ગઈ ત્યારે સ્થાનિક શખસોએ CNCD વિભાગની ટીમ અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. CNCD વિભાગની ટીમ સાથે સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવેલા ઘર્ષણનો વિડીયો પણ વાયરલ થયો હતો. દરમિયાન એએમસીના સીએનડીસી વિભાગની ટીમ અને પોલીસની સાથે બોલાચાલી અને મારામારી કરનારા ત્રણ શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મ્યુનિ. કોર્પોરેશનની CNCD વિભાગની ટીમ સોમવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ દક્ષિણ ઝોન વિસ્તારમાં વટવા જાન્યાપીરના ટેકરા અને બચુભાઈના કૂવા આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અને રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાનમાં જ્યારે રખડતા ત્રણ ઢોર જોવા મળતા તેને પકડવા માટે CNCD વિભાગની ટીમ પોલીસ સાથે દોડી ગઈ હતી. દરમિયાનમાં ત્રણ શખસો ત્યાં આવ્યા હતા અને લાકડી પછાડીને ગાયોને રોડની અંદરના ભગાડી દીધી હતી. જ્યારે ટીમ આ ઢોરને પકડવા માટે ત્યાં પહોંચી ત્યારે મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને રખડતા ઢોર પકડવાની કામગીરીની ટીમમાં સામેલ પોલીસ કોન્સ્ટેબલને પણ લાકડીથી ઈજા પહોંચી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ત્રણેય શખસે બોલાચાલી કરી હતી લાકડી વડે ગાયોને ભગાડી દઈને કાયદેસરની રુકાવટ ઉભી કરી હતી. જેમ ફાવે તેમ બોલાચાલી કરતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વટવા પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. સ્થાનિક ત્રણેય શખસો દ્વારા જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCD વિભાગની ટીમ અને પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી તેના વિડીયો પણ વાયરલ થયો હતો. એક તરફ એએમસી દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કડક કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પશુમાલિકો અને કેટલાક તત્વો એએમસી અને પોલીસની કામગીરી વચ્ચે રૂકાવટ ઉભી કરી રહ્યા છે.