નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેની ભારત સહિતના દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશની જાણીતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપના સાંસદ સતીશ ગૌતમે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને પોલીસ પાસે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, યુનિવર્સિટી આતંકવાદી ગતિવિધિઓનું હબ બની ગઈ છે. બીજેપી સાંસદે અલીગઢ એસએસપીને વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા. સાંસદ સતીશ ગૌતમે કહ્યું છે કે, તેઓ આ મુદ્દો શિક્ષણ મંત્રી સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યું કે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના કારણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ કલંકિત થયું છે. આ ટ્રેન્ડને રોકવા માટે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
રવિવારે સાંજે વિદ્યાર્થીઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં પગપાળા માર્ચ કાઢી અને પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ પાસે પેલેસ્ટાઈનને સમર્થન આપતા બેનરો અને પોસ્ટરો હતા. પ્રદર્શન દરમિયાન તેઓએ ધાર્મિક નારા પણ લગાવ્યા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવતા ઈઝરાયેલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે ઈઝરાયેલ પેલેસ્ટાઈન પર અત્યાચાર કરી રહ્યું છે. પેલેસ્ટાઈનના લોકો આઝાદીની માંગ કરી રહ્યા છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેથી, વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈનને સમર્થન બતાવવા માટે એક થયા છે.