Site icon Revoi.in

અમદાવાદમાં મકરબા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર હુમલો, 8 લોકો સામે ફરિયાદ

Social Share

અમદાવાદઃ શહેરમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. હવે માત્ર દિવસે જ નહીં પણ મોડી રાત્રે પણ મ્યુનિ.ના સીએનડીસી વિભાગના કર્મચારીઓ રખડતા ઢોરને પકડવા વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે. ત્યારે મોડી રાત્રે મ્યુનિની ઢોર પકડવાની ટીમ સરખેજના મકરબા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસે પહોંચી ત્યારે પાંચથી છ ગાયો રોડ પર બેઠેલી જોવા મળી હતી. જેથી મ્યુનિ.ની ટીમ ગાયોને ટ્રેક્ટરમાં ભરીને લઈને જતી હતી. તે દરમિયાનમાં પાંચથી છ મહિલા અને પુરુષો લાકડીઓ સાથે આવ્યાં હતાં અને ઢોર પાર્ટી ટીમ ઉપર હુમલો કરી દીધો હતો. ઢોર પકડનારા બેથી ત્રણ મજૂરોને માર મારવામાં આવ્યો હતો. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સહિત આઠ લોકો સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

એએમસીના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા દેવેન્દ્ર દેસાઈને રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે સીએનસીડી વિભાગમાં મૂકવામાં આવ્યા છે. રાત્રે દેવેન્દ્રભાઈ એસઆરપી અને વાસણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે રાખીને રખડતાં ઢોર પકડવા માટે સરખેજ વિસ્તારમાં નીકળ્યા હતા. ઢોર પકડવાની ટીમ જ્યારે મકરબા પ્રાથમિક સ્કૂલ પાસે પહોંચી ત્યારે રોડ ઉપર ચારથી પાંચ ગાયો બેઠેલી જોવા મળી હતી. જેથી ઢોર પકડનારા મજૂરો ગાયોને પકડી અને ટ્રેક્ટરની ટોલીમાં ભરતા હતા. ત્યારે ચારથી પાંચ પુરુષો અને બેથી ત્રણ મહિલાઓ હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા. યુનિટી બનાવી પોલીસને ગાળાગાળી કરી  મ્યુનિ.ની ટ્રેક્ટર ટોલી ઉપર લાકડીઓ પછાડવા લાગ્યા હતા. તેઓ ગાયો છોડાવવાનો પ્રયત્ન કરતા હતા. દરમિયાન પકડેલી પાંચમાંથી ત્રણ જેટલી ગાયો તેઓ છોડાવવામાં સફળ રહ્યાં હતાં. લાકડીઓ વડે પાંચ લોકોએ મ્યુનિ.ની ઢોર પકડ પાર્ટીના મજૂરોને મારમાર્યો હતો. મહિલાઓએ રોડ ઉપર પડેલા પથ્થરો લઈ અને ટીમ ઉપર ફેંક્યા હતા. હુમલો કરનારાઓમાંથી એક શખસને પોલીસની મદદથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં જ સાતથી આઠ લોકો લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા એએમસીની ટીમ દ્વારા તેને પકડી સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હુમલો કરનાર શખ્સનું નામ શૈલેષ ભરવાડ હોવાનું જણાવ્યું હતું. તેણે તેના પરિવાર સાથે મળી અને પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો કર્યો હતો. સરખેજ ઇન્દિરા નગરના ભરવાડ વાસમાં રહેતી ચાર મહિલાઓ સહિત આઠ લોકો સામે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (File photo)