ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો
લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત કરતા હતા. મુસ્લિમ મહિના સંતાનો ફરી એકવાર મોદી સરકાર બનાવાની વાત કરી રહ્યાં હતા ત્યારે અહીંથી પસાર થતા સલીમ પન્નીએ મુસ્લિમ મહિલના સંતાનોની વાત સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તેમને અપશબ્દો બોલીને ધમકી આપી હતી.
પીડિત મહિલા સબા નાઝએ આરોપ લગાવ્યો હતો કે, મોડી રાતે સલીમ પન્ની અને તેના સાગરિતો સબા નાઝના ઘરે આવ્યાં હતા. દારૂના નશામાં ચકચૂર આ શખ્સોએ મુસ્લિમ મહિલા અને તેના સંતાનોને માર માર્યો હતો. દરમિયાન બાળકોએ બુમાબુમ કરતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, સલીમ પન્ની અને તેના સાગરિતોએ ધમકી આપી છે. મારા પતિ સુફિયાન અહમદ અને હું ભાજપના સમર્થક છીએ. પતિ સુફિયાન અહમદ ભાજપા મુસ્લિમ મંચના સહસંયોજક છે. અગાઉ પણ સલીમ પન્નીએ મુસ્લિમ મહિલાના પરિવારને ધમકી આપી હતી.
પીડિત સબા નાઝએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પરિવારમાં ભય ફેલાયો છે. પીડિત પરિવારએ સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા પુરી પાડવાની માંગણી કરી છે. બીજી તરફ સમગ્ર ઘટાનાને લઈને પોલીસે ગંભીરતાથી લઈને ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી.