વડોદરાઃ ગુજરાતમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનીજચોરોને અંકુશમાં લેવા ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભાદરવા-પોઈચાના મહિસાગર નદીના પટમાં ખનીજચોરી થતી હોવાની બાતમી મળતા ખનિજ વિભાગના અધિકારીઓની ટીમ દરોડો પાડવા ગઈ હતી. ત્યારે ખનિજ માફિયાઓએ અધિકારીઓની ટામ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરકારી જીપના કાચ પણ તોડી નાંખ્યા હતા. અધિકારીઓ જીવ બચાવીને ભાગ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતા ખનીજમાફિયા નાસી ગયા હતા. દરમિયાન ખાણ-ખનીજ વિભાગે 6 હિટાચી મશીન અને 2 ડમ્પર મળીને કરોડોનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્ મુજબ વડાદરાના સાવલી તાલુકાના ભાદરવા પોઇચા પાસે મહીસાગર નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનની પ્રવૃત્તિ અંગે ફરિયાદ મળતા ખાણ ખનીજ વિભાગની સુરતથી આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ અને વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગના સરકારી વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોના કાચ તોડી નાખ્યા હતા. ખનીજમાફિયાના એકાએક હુમલાથી કેટલાક અધિકારીઓ તો જીવ બચાવીને નદીના પટમાં ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં ભાદરવ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓ ઉપર હુમલો કર્યા બાદ હુમલાખોરો મશીન સ્થળ પર મૂકી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન ખાણ-ખનીજ વિભાગે 6 હિટાચી મશીન અને 2 ડમ્પર મળીને કરોડોનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ બનાવ અંગે ભાદરવા પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જે સ્થળે રેતી ખનન થઈ રહ્યું હતું, ત્યાં ખાણ ખનીજે કોઈ લીઝ પરવાનગી આપી નથી. કેટલાક સમયથી ગેરકાયદેસર ખાણ-ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ તેમજ રાજકીય ઈશારે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું.