નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે બંને આતંકવાદીઓની ધરપકડ કરીને કાશ્મીરમાં છુપાયેલા તેમના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં બારમુલ્લા પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. તેમજ આરોપી પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો હતો. આ લશ્કરના આતંકવાદીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ સતત લશ્કર-એ-તૈયબાના માસ્ટર્સના સંપર્કમાં હતા અને પાકિસ્તાની આતંકવાદી માસ્ટર્સને તમામ માહિતી આપતા હતા. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાની અને ટાર્ગેટ કિલિંગ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
ભૂતકાળમાં સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓની યોજનાને નિષ્ફળ બનાવી હતી. પોલીસે સેના સાથે સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો હતો. સુરક્ષા દળોએ તે આતંકવાદી પાસેથી ઘણા હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. ગયા મહિને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ બંને વચ્ચે ગોળીબાર થયો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જવાનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળો ઘણી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ માટે લેટેસ્ટ સેન્સર અને સીસીટીવી કેમેરા આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા આધુનિક સેન્સર અને કેમેરાથી બચવું ખૂબ મુશ્કેલ છે. જો LOC પાસે સહેજ પણ હલચલ થાય તો તેઓ તરત જ એલર્ટ મોકલી દે છે.