અમદાવાદઃ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની અરવિંદ કેજરીવાલે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ આપના નેતાઓ અને કાર્યકરો લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ વિવિધ મુદ્દા ઉપર રજૂઆતો સાંભળી રહ્યાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિસાવદરમાં આપના નેતા પ્રવીણ રામ, મહેશ સવાણી અને પત્રકારમાંથી રાજકીય નેતા બનેલા ઈશુદાન ગઢવી ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આપ દ્વારા ભાજપના નેતાઓએ હુમલો કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.
આ હુમલા મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, મેં તેમણે દોષિતો સામે ફરિયાદ નોંધી પગલા લેવા કહ્યું છે તેમજ આપના નેતાઓ અને કાર્યકરોને રક્ષણ આપવા ભલામણ કરી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે આપના કાર્યકરો અને નેતાઓએ કોઈ પણ લોકો પર હુમલો કર્યો નથી. આપના આગેવાનો તો હુમલાનો ભોગ બન્યા છે. જોકે તેમ છતા સામી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે તો એનો પ્રતિકાર આપવા અમે તૈયાર છીએ.