પાલનપુરઃ ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને ઠગવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ ભાજપના મહિલા અગ્રણી સાથે બન્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના સિનિયર મહિલા આગેવાનને ગઠિયાએ પીએમઓના મુખ્ય સચિવ તરીકે ઓળખ આપી હતી. અને દિલ્હીમાં પાંચ કરોડનો બંગલાની ગીફટ આપવાની વાત કરી બંગલાનો પ્લાન વોટસએપ ઉપર આપી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ભાજપના મહિલા અગ્રણીએ પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય કુમુદબેન જોષીના મોબાઇલ ઉપર ગત તા. 15 જુલાઇના રોજ ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે તેની ઓળખ પીએમઓના મુખ્ય સચિવ પી. કે. મિશ્રા તરીકે આપી હતી. અને પાર્ટીના 100 સનિયર નેતાઓને વડાપ્રધાન દ્વારા ગીફટ આપવાની વાત કરી હતી. જેમાં રાજસ્થાનના વસુંધરા રાજે 100 બંગલા બનાવતાં હોઇ રૂપિયા 5 કરોડનો બંગલો દિલ્હીમાં ગીફટ આપવાનું જણાવ્યું હતુ. તેમજ કુમુદબેનના વોટસએપ નંબર ઉપર બંગલાનો પ્લાન પણ મોકલ્યો હતો. જે પછી જાન્યુઆરી માસમાં પઝેશન આપવાનું કહી રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ફાળવણી થશે તેમજ આ વાત ખાનગી રાખવાનું કહ્યું હતુ. જોકે, આ શખ્સ પોતાની સાથે છેતરપિંડી આચરવાની કોશિષ કરી રહ્યો હોવાનું જણાતાં કુમુદબેન જોષીએ સોમવારે તેની વિરૂધ્ધ પાલનપુર સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.