લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં કાવડયાત્રા યોજાઈ રહી છે દરમિયાન બે શખ્સોએ સાંપ્રદાયિક શાંતિને ડોહળવાનો પ્રયાસ કર્યો હતો. બે મુસ્લિમ શખ્સોએ ભગવો સાફો પહેરીને બિજનોર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જલાલ શાહ અને ભૂરે શાહની મજારમાં તોડફોડ કરી હતી. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
યુપીના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, પોલીસની માહિતી મળી હતી કે, બે લોકોએ જલાલ શાહની સમાધિમાં તોડફોડ કરી છે. તેઓએ કેટલીક ચાદર સળગાવી છે. જે પછી પોલીસ ત્યાં પહોંચી હતી. આ વિસ્તારના ભુરે શાહની સમાધિ પર પણ આ શખ્સોએ આગચંપી અને તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું હતું.
તેમણે વધુમાં જમાવ્યું હતું કે, પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈને કમાલ અને આદિલ નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. બંને સગા ભાઈઓએ ધાર્મિક ગ્રંથોને કોઈ નુકશાન કર્યું ન હતું. તેમણે કહ્યું, “આરોપીઓએ જણાવ્યું કે શેરકોટ નગરમાં કુતુબ શાહની સમાધિમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, આ ઘટના દર્શાવે છે કે કાંવડ યાત્રા દરમિયાન વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં બે મઝારમાં તોડફોડ કરનારા બંને શખ્સોએ ભગવો સાફો પહેર્યો હતો. આમ બે કોમ વચ્ચે શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.