Site icon Revoi.in

ભાવનગર-ઓખા ટ્રેનને બોટાદ નજીક ઉથલાવવાનો પ્રયાસ,

Social Share

બોટાદઃ રાજ્યમાં ચાર  દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા.આ બનાવની જાણ થતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને  ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગર-ઓખા ટ્રેનને બોટાદ નજીક ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઇપને નુકસાન થયું હતું. ઓખાથી ભાવનગર જતી ટ્રેન નંબર 19210ને બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર એન્જિન બંધ થયાની ઘટના બની હતી. અચાનક એન્જિન બંધ થતા ટ્રેન ત્રણ કલાક સ્થળ પર પડી રહી હતી. તે બાદ બીજુ એન્જિન મંગાવીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ રેલવે ટ્રેક પર કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટાનો ટુકડો ઉભો રાખવામાં આવ્યો હતો જેને કારણે એન્જિનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા સર્વેલન્સ કરીને રેલવે ટ્રેકની ચકાસણી કરવામાં આવી હતી. બોટાદ પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસનો દૌર શરૂ કરી દીધો છે. આ ઘટના કેવી રીતે બની હતી, કોણે કાવતરું રચ્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ ફરી એકવાર બોટાદ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓખાથી ભાવનગર જઇ રહેલી ટ્રેન લોખંડના પાટા સાથે અથડાઇ હતી. જેના લીધે ટ્રેનનું એન્જિન બંધ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં બોટાદ રેલવે પોલીસ પોલીસ તથા રેલવેના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.  અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.